ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑગસ્ટ, 2021
શુક્રવાર
બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC), મુલુંડ અને દહિસરમાં આવેલા જમ્બો કોવિડ સેન્ટર તબક્કાવાર ફરી ચાલુ કરવામાં આવવાનાં છે. મે મહિનામાં આવેલા વાવાઝોડાને કારણે થયેલા નુકસાનને પગલે સમારકામ માટે એને બંધ કરવામાં આવ્યાં હતાં. લગભગ અઢી મહિના સુધી કોવિડ સેન્ટરનું સમારકામ ચાલ્યું હતું. હવે ઑગસ્ટના અંતમાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ ઊભું થવાની શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. એથી તબક્કાવાર આ જમ્બો સેન્ટર ફરી ચાલુ કરવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાએ લીધો છે.
લોકલ ટ્રેનમાં સામાન્ય નાગરિકોના પ્રવાસની મંજૂરી માટે મુખ્ય પ્રધાન કહી દીધી આ મોટી વાત; જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે ગયા વર્ષથી કોરોનાના કેસમાં ધરમખ વધારો થતાં હૉસ્પિટલો ઉપરનું ભારણ ઓછું કરવા માટે જમ્બો સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં હતાં. એમાં અત્યાર સુધી હજારો દર્દીઓને સારવાર આપવામાં આવી છે. આ દરમિયાન મે મહિનામાં આવેલા વાવાઝોડાને કારણે મોટા પાયા પર સેન્ટરોને નુકસાન થયું હતું. એ સાથે કોરોનાના કેસમાં પણ ઘટાડો થયો હતો. એથી પાલિકાએ આ સેન્ટરને બંધ કરી દીધાં હતાં અને એ સેન્ટર્સનાં સમારકામ હાથમાં લીધાં હતાં. હવે આ કામ પૂરાં થઈ ગયાં છે, એથી તબક્કાવાર એને ચાલુ કરવાનાં છે.