ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૨ જુલાઈ ૨૦૨૧
સોમવાર
મોદી સરકારના કૅબિનેટ વિસ્તરણમાં ભાજપના સાંસદ પ્રીતમ મુંડેને સ્થાન ન મળતાં, હવે તેમના સમર્થકો ખૂબ નારાજ થયા છે. આ ઉપરાંત ભાજપના નેતા અને પ્રીતમનાં બહેન પંકજા મુંડે પણ આ બાબતથી નારાજ હોવાની વાતો સામે આવી છે. આવી પરિસ્થિતિમાં પંકજા મુંડે રવિવારે અચાનક નવી દિલ્હી પહોંચી ગયાં હતાં, ત્યાં તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પંકજાએ પાત્ર હોવા છતાં પદ ન મળતાં પોતાની નારાજગી વ્યક્ત કરી હોવાની ચર્ચા છે.
જોકે શનિવારે તેમણે મીડિયાને નારાજ હોવાની વાતને રદિયો આપ્યો હતો. હવે કેન્દ્રીય નેતૃત્વ સાથે આ બેઠક બાદ તેમને મોટી જવાબદારી સોંપવામાં આવશે એવી ચર્ચા શરૂ છે. બીજી તરફ ૪૯ ભાજપના પદાધિકારીઓ અને પંકજાના સમર્થકોએ પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત પ્રીતમ મુંડેને પદ ન મળતાં બીડ જિલ્લાના ૨૫ સમર્થકોએ પાર્ટીમાં પોતાના પદ પરથી રાજીનામાં આપ્યાં છે.
‘પીપલ્સ પદ્મ’ પુરસ્કાર માટે વડાપ્રધાન મોદીની નવી પહેલ : હવે લોકો પણ કરી શકશે નોમિનેટ, જાણો કઈ રીતે
ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીમાં બેઠક બાદ હવે પંકજા મુંડેએ મુંબઈમાં પદાધિકારીઓ સાથે બેઠક યોજી છે. આ બેઠક મંગળવારે તેમની વરલી ખાતેની ઑફિસમાં યોજાવાની છે. હવે લોકોની નજર આ બેઠક ઉપર છે કે મુંડે પોતાના સમર્થકોને શું કહે છે.