ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જુલાઈ ૨૦૨૧
શુક્રવાર
ખાનગી શાળાઓની બેફામ ફી વસૂલી સામે વાલીઓને હાઈ કોર્ટની સુનાવણી બાદ મોટી રાહત મળી છે. બૉમ્બે હાઈ કોર્ટે આ મામલે રાજ્ય સરકારનો કાન આમળ્યો છે. રાજ્ય સરકારને પ્રાદેશિક શાળા ફી નિયમન સમિતિ બનાવવાનો આદેશ આપ્યો હતો. સ્કૂલ ફી ઍક્ટ 2011 મુજબ પ્રાદેશિક શાળા ફી નિયમન સમિતિની રચના થવી જોઈતી હતી. કોરોના મહામારીને કારણે લોકો નાણાભીડમાં હોવા છતાં ઠાકરે સરકાર દોઢ વર્ષમાં આ પગલું ભર્યું ન હતું.
મલાડના એવરશાઇન નગરમાં મોટું ધીંગાણું, મુંબઈ મહાનગરપાલિકાએ સાત બિલ્ડિંગ ડિમોલેશન કરવા આવી, જાણો વિગત
આ ઉપરાંત વાલીઓ સાથે થતી આડકતરી રીતે આ છેતરપિંડી અંગે હાઈ કોર્ટે સરકારની ઝાટકણી કાઢતાં સવાલ કર્યો હતો કે પ્રાદેશિક શાળા ફી નિયમન સમિતિ માત્ર કાગળ પર જ કેમ છે? વાલીઓ શાળાની મોંઘીદાટ ફી ન ભરી શકતા હોવાથી તેમનાં બાળકોને ઑનલાઈનમાંથી બહાર કાઢવામાં આવતાં હતાં, એ અંગે વડી અદાલતે સંચાલકોને પણ ઠપકો આપતાં સવાલ કર્યો હતો કે જો તમારાં બાળકો આવી સ્થિતિમાં હોય તો તમે શું નિર્ણય લેશો? હાઈ કોર્ટે તેના વચગાળાના આદેશમાં કહ્યું છે કે જે બાળકો ફી ન ભરી શકતાં હોય તેમને વર્ગમાંથી બહાર કરવામાં આવે નહીં.
ઉલ્લેખનીય છે કે ખાનગી શાળાઓની આ ફી વસૂલીથી કંટાળેલા વાલીઓની ફરિયાદ મળતાં ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખળકરે આ મુદ્દે જનહિતની અરજી કરી હતી. હાઈ કોર્ટ દ્વારા ઠપકો મળ્યા બાદ ઠાકરે સરકારે પ્રાદેશિક શાળા ફી નિયમન સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો. એથી ફી વધારાનો વિરોધ કરી રહેલા વાલીઓની આ મોટી જીત છે.