ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જૂન ૨૦૨૧
મંગળવાર
ભારતીય તીરંદાજ દીપિકા કુમારી રવિવારે પેરિસમાં યોજાયેલા આર્ચરી વર્લ્ડ કપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા બાદ વર્લ્ડ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. દીપિકાએ મહિલા વ્યક્તિગત રિકર્વ ઇવેન્ટના અંતિમ રાઉન્ડમાં રશિયન ખેલાડી એલેના ઓસિપોવાને 6-૦થી હરાવીને પોતાનો ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ અગાઉ તેણે મિક્સ રાઉન્ડ અને મહિલા ટીમ રિકર્વ ઇવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. દીપિકાએ માત્ર પાંચ જ કલાકમાં આ ત્રણેય ગોલ્ડ મેડલ મેળવ્યા છે.
આ પહેલા દીપિકા માત્ર 18 વર્ષની ઉંમરે વિશ્વની નંબર વન ખેલાડી બની હતી. વર્લ્ડ કપ સ્પર્ધામાં અત્યાર સુધીમાં 9 ગોલ્ડ મેડલ, 12 સિલ્વર મેડલ અને સાત બ્રોન્ઝ મેડલ જીતનાર દીપિકાની નજર હવે ઓલિમ્પિક મેડલ પર છે. દીપિકા આવતા મહિને ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવા જાપાન જઈ રહી છે. વિશેષ વાત એ છે કે ભારતથી જઇ રહેલી તીરંદાજની ટીમમાં તે એકમાત્ર મહિલા ખેલાડી છે.
ઝારખંડના એક ખૂબ જ ગરીબ પરિવારમાં જન્મેલી 27 વર્ષીય દીપિકાએ ઘણો સંઘર્ષ કર્યો છે. વર્ષ 2007 માં જ્યારે તેણી પોતાના નાનાના ઘરે ગઈ હતી ત્યારે તેના મામાએ કહ્યું કે અર્જુન આર્ચરી એકેડેમીમાં મફત રહેણીકરણી સહિત આર્ચરી શીખવવામાં આવે છે. પરીવારની નાજુક પરિસ્થિતિને પગલે દીપિકાએ વિચાર્યું હતું કે તેના ત્યાં જવાથી પરિવારનો આર્થિક બોજ ઘટશે. જોકે, તેણીએ અહી પણ ખૂબ જ અગવડભર્યા સંજોગોમાં રહી પ્રશિક્ષણ મેળવ્યું હતું.
ટી-20 વર્લ્ડકપ ભારતમાં નહીં પણ આ દેશમાં રમાશે, BCCIએ કરી સત્તાવાર જાહેરાત ; જાણો વિગતે
ધીમેધીમે તેણી તાલુકા સ્તરીય સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બની અને આજે સફળતાના અનેક શિખરો સર કર્યા બાદ બીજીવાર વિશ્વની નંબર વન ખેલાડી બની ગઈ છે અને ટોકિયો ઓલમ્પિકમાં પણ ભારતનું નામ રોશન કરવાની તૈયારીમાં છે.