ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 જૂન 2021
મંગળવાર
ચાંદીવલીના શિવસેનાના વિધાનસભ્ય દિલીપ લાંડે સામે ગુનો નોંધો નહીં તો હું આત્મહત્યા કરી લઈશ. એવી ધમકી મુંબઈના કુર્લાના કામાણી વિસ્તારની નાળાસફાઈનું કામ કરનારા કૉન્ટ્રૅક્ટરે આપી છે.
ગયા અઠવાડિયાના મુશળધાર વરસાદને પગલે કુર્લાના કામાણી વિસ્તારમાં ઘૂંટણભેર પાણી ભરાયાં હતાં. નાળાસફાઈ બરોબર કરી ન હોવાથી પાણી ભરાયાં હોવાનો આરોપ ચાંદીવલીના વિધાનસભ્ય દિલીપ લાંડેએ કર્યો હતો. શનિવારે તેમણે અહીં નાળાસફાઈનું કામ કરનારા કૉન્ટ્રૅક્ટરને વાત કરવાને બહાને બોલાવ્યો હતો. બાદમાં તેમના માણસોએ કૉન્ટ્રૅક્ટકરને ગંદાં પાણી ભરેલા રસ્તા પર બેસાડી દીધો હતો અને તેના પર નાળાનો ગંદો કચરો નાખીને તેને નવડાવી દીધો હતો.
આ બનાવને પગલે તેને માનસિક અને શારિરીક ત્રાસ થયો હોવાની ફરિયાદ કૉન્ટ્રૅક્ટરે કરી હતી. આઠ દિવસ અગાઉ પાલિકાએ નાળાસફાઈને ક્લીન-ચિટ આપી હતી. છતાં નાળાસફાઈ નથી કરી હોવાનો ખોટો આરોપ કરીને માનસિક રીતે હેરાન કરવામાં આવ્યો હોવાનો આરોપ પણ કૉન્ટ્રૅક્ટરે કર્યો હતો. તેણે કરેલી ફરિયાદ બાદ પોલીસે તેને FIR નોંધાવવા માટે આગળ આવવા કહ્યું હતું. જોકે તેને માનસિક શારીરિક આઘાત લાગ્યો હોઈ તે હૉસ્પિટલમાં હોવાથી તે આવી શકશે નહીં એવું તેણે કહ્યું હતું.