ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ મે ૨૦૨૧
મંગળવાર
કોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે ભારતમાં કાલથી એક નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. આ નવા નિયમો ડિજિટલ અને સોશિયલ મીડિયા માટે બનાવવામાં આવ્યા હતા. આ નિયમો અનુસાર આ કંપનીઓએ ભારત સ્થિત કોમ્પ્લાયન્સ અધિકારીની નિયુક્તિ કરી તેના નામ અને ભારત સ્થિત નંબરો આપવા પડશે. આમાં ફરિયાદ નિવારણ, આપત્તિજનક કન્ટેન્ટપર દેખરેખ, કોમ્પ્લાયન્સ રિપૉર્ટ અને આપત્તિજનક કન્ટેન્ટને દૂર કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
ભારત સરકારે આ નવા નિયમો ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ને રોજ લાગુ કર્યા હતા અને કંપનીઓને નિયમને અમલમાં મૂકી અધિકારીની નિયુક્તિ માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. આ અવધિ આવતી કાલે સમાપ્ત થઈ રહી છે. અનેક કંપનીઓએ હજી આ નવા નિયમો અમલમાં મૂક્યા નથી. હવે સરકાર આગળ શું પગલાં ભરશે એના પર સૌની નજર છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં સોશિયલ મીડિયા વેબસાઇટ એક ઇન્ટરમિડિયેટરની જેમ કામ કરે છે. જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયામાં આપત્તિજનક ટિપ્પણી કે પોસ્ટ કરે તો પણ સોશિયલ મીડિયા કંપની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, કારણ કે એને ભારત સરકાર તરફથી ઇમ્યુનિટી મળેલી છે. એક મીડિયા હાઉસના રિપૉર્ટ મુજબ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ સરકારના નવા નિયમોનો અમલ નહીં કરે તો સરકાર તેમને મળેલી ઇમ્યુનિટીને સમાપ્ત કરી તેમની સામે ફોજદારીની કાર્યવાહી પણ કરી શકે છે.