ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ મે ૨૦૨૧
ગુરુવાર
બહુ ઓછા લોકોને ખબર હશે કે મુંબઈ શહેરમાં પાર્કિંગ માફિયા પણ સક્રિય છે. ખાસ કરીને દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારમાં પાર્કિંગ માટે ગેરકાયદે રીતે પૈસા વસૂલવામાં આવે છે. આ કૌભાંડમાં મુંબઈ પોલીસના ટ્રાફિક વિભાગના અધિકારી, મુંબઈ મહાનગરપાલિકાના વૉર્ડ અધિકારી અને સ્થાનિક ગુંડાઓ તેમ જ નેતાઓ સામેલ છે. જાણીને આશ્ચર્ય થશે, પરંતુ એવા અનેક રસ્તાઓ છે જ્યાં પાર્કિંગની પરવાનગી ન હોવા છતાં પાર્કિંગ લૉટ બનાવવામાં આવ્યો છે, તેમ જ છડેચોક લોકો પાસેથી પાર્કિંગ માટે પૈસા વસૂલવામાં આવે છે.
હવે આ કૌભાંડને બંધ કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ એક નવો રસ્તો અજમાવવાનું નક્કી કર્યું છે. મુંબઈ મહાનગરપાલિકા પાર્કિંગ માટે એક સ્વતંત્ર પ્રાધીકરણ બનાવવાનું વિચારી રહી છે. પાર્કિંગની ઉપલબ્ધતા માટે મોબાઇલ ઍપ્લિકેશન બનાવવામાં આવશે. આ ઍપ્લિકેશનના માધ્યમથી પાર્કિંગ પહેલેથી જ બુક કરી શકાશે અને ઑનલાઇન જાણી શકાશે કે પાર્કિંગ ક્યાં ઉપલબ્ધ છે અને ક્યાં નથી.
ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાએ અનેક શૉપિંગ મૉલ, ઇમારતો તેમ જ ખુલ્લી જગ્યામાં પાર્કિંગ ઉપલબ્ધ કરાવી આપ્યું છે, પરંતુ પ્રાઇવેટ એકમો એની ઉપર કબજો જમાવીને એને લોકો માટે બ્લૉક કરી દે છે. હવે આ તમામ સમસ્યાથી છુટકારો મળે એવી શક્યતા છે.