ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૩ મે ૨૦૨૧
ગુરુવાર
ગુજરાતમાં વધતા જતા કોરોના સંકટ સાથે હજી એક નવી તુફાની આફત ત્રાટકી છે. હવામાન વિભાગે ૧૭ અને ૧૮ મેના રોજ દેશના પશ્ચિમ કાંઠેથી ચક્રવાતી તોફાનની આગાહી કરી છે. આ ચક્રવાત પાકિસ્તાનના કરાચીના દરિયા કાંઠે ટકરાય તેવી સંભાવના છે, પરંતુ ગુજરાતનો દરિયા કિનારો પણ તેનાથી પ્રભાવિત થઈ શકે છે.
આ વર્ષ ૨૦૨૧માં આવનાર પ્રથમ વાવાઝોડું છે. તેનું નામ ‘તૌકાતે’ રાખવામાં આવ્યું છે. ગુજરાતમાં આ ચક્રવાતી તોફાનને પગલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક બેઠક યોજી હતી અને દરિયા કાંઠાના જિલ્લાઓના અધિકારીઓને સતર્ક રહેવા અને જરૂરી પગલા ભરવા નિર્દેશ આપ્યા હતા. અધિકારીઓએ આગાહી કરી છે કે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં આવેલા ચક્રવાતને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ વિસ્તાર સહિત ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
મુંબઈ શહેરમાં દૈનિક કોરોનાના કેસમાં થયો નોંધપાત્ર વધારો. જાણો આજના તાજા આંકડા
ઉલ્લેખનીય છે કે ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ અને લક્ષદ્વીપને પણ સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ લક્ષદ્વીપ અને માલદીવના વિસ્તારોમાં ૪૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાવાનું પણ જણાવ્યું છે. આ ઉપરાંત કેરળ, ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને વાવાઝોડા સાથે વરસાદનો સામનો કરવો પડી શકે છે.