ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 10 એપ્રિલ 2021
શનિવાર
કોરોનાના ગંભીર દર્દીઓના ઉપચાર માટે ઉપયોગી એવા રેમડેસીવિયર ઈન્જેકશનનો જથ્થો સુરતની હોસ્પિટલમાં ખૂટતા લોકોએ રેમડેસીવિયરનું ઇન્જેક્શન લેવા માટે ભાજપના ઉધના સ્થિત કાર્યાલયની બહાર લાઈન લગાવી હતી. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે પાંચ હજાર રેમડેસીવિયરના ઇન્જેક્શન મફત આપવાની વાત કહી હતી અને ત્યાર બાદ આ સર્વ ઘટના બની હતી.
સીઆર પાટિલના નિવેદન પર વિવાદ જાગ્યો છે કે જો હોસ્પિટલો પાસે રેમડેસીવિયરનું ઇન્જેક્શન ઉપલબ્ધ નથી તો ભાજપ પાસે રેમડેસીવિયરનો આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો. આ નિવેદન અંગે સવાલ થતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાથ ઊંચા કરી દીધા હતા. રૂપાણીએ ઉમેર્યું હતું કે એ સીઆરને ખબર, સીઆરને જ પૂછજો. સીઆર પાટિલે સુરતની ચિંતા કરી 5 હજાર રેમડેસીવિયરની વ્યવસ્થા કરી એ સીઆરને પૂછશો તો જ યોગ્ય જવાબ મળશે.
ચૂંટણી પ્રચારના નામે કોરોના ના નિયમોનું ઉલ્લંઘન કરનાર નેતાઓ પર હવે તવાઇ. ચૂંટણી પંચ આ પગલું લેશે…
સીઆર પાટિલે રેમડેસીવિયર ઇન્જેક્શનની વ્યવસ્થા અંગે પોતાનું નિવેદન આપતા કહ્યું હતું કે અમારા કેટલાક મિત્રોએ ઇન્જેક્શન ખરીદ્યા છે, જે બજાર ભાવે મળતા ઇન્જેક્શનને ખરીદી ભાજપ વિતરણ કરી રહી છે, અમને પાંચ હજાર ઇન્જેક્શન આપવાનું કમિટમેન્ટ છે. ભાજપના ઉધના ખાતેના કાર્યાલયમાં ૧૦૦૦ જેટલા ઇન્જેક્શન આપવાની જાહેરાત થતા લોકો ત્યાં ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ વિવાદ અંગે હવે સુરત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તપાસ કરશે.