ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
18 જાન્યુઆરી 2021
દેશમાં એક બાજુ નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહયાં છે. બીજી બાજુ ગુજરાતનો આ યુવાન ભણીગણી ખેતીને વ્યવસાય તરીકે અપનાવી આ વર્ષે અંદાજે 45 લાખ રૂપિયા જેટલી કમાણી કરશે.
આ વાત બનાસકાંઠાના ડીસાના રહેવાસી મયુર કિરણભાઈ પ્રજાપતિની છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાંથી બીએસસી એગ્રીકલ્ચરની ડિગ્રી મેળવ્યા બાદ મયુરને ખાનગી કંપનીમાં નોકરી મળી ગઇ. પણ કોઇની ગુલામી કરવા કરતાં ખુદ્દારીથી જીવવાના ધ્યેય સાથે તેણે બાપીકા વ્યવસાય ખેતીમાં ઝંપલાવ્યું અને પરંપરાગત ખેતીને બદલે આધુનિક ખેતી અપનાવી.
23 વર્ષીય આ યુવાનની મહેનત રંગ લાવી અને પહેલા જ વર્ષે ત્રણ ગણી આવક મેળવી. આનાથી પ્રેરાઈને પોતાની 15 વીઘા જમીન ઉપરાંત બીજી 42 વીઘા જમીન ભાડે લઇ ફળ અને શાકભાજીની વૈજ્ઞાનિક ઢબે વાવેતર કર્યું છે, જેમાંથી આ વર્ષે રૂ. 40 થી 45 લાખ આવક મળવાનો અંદાજ છે.
વર્ષ 2020માં પ્લગ ટ્રે નર્સરી તૈયાર કરી. જેમાં બધા જ પ્રકારનાં શાકભાજી, શક્કરટેટી, તરબૂચ, ગલગોટા, પપૈયા સહિતના રોપા તૈયાર કરવાની શરૂઆત કરી. જેમાંથી રૂ.7.5 લાખની આવક થઇ. ત્યાર બાદ 42 વીઘા જમીન ભાડાપટ્ટે લઈ પપૈયા, કેપ્સિકમ, બટાકા, કોબિજ, ફુલાવરની ખેતી કરી, જેમાંથી રૂ.40-45 લાખની આવક મળવાનો અંદાજ છે.
ખેડૂતોને તંદુરસ્ત અને સારા રોપા મળી રહે તે માટે જ નર્સરી બનાવી છે. તેમજ રોપણી અંગે માર્ગદર્શન પણ આપે છે. હવે ઘરઆંગણે મળતાં રોપાને કારણે સમયની સાથે ટ્રાન્સપોર્ટેશન ખર્ચની બચત થશે.
