ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
07 ડિસેમ્બર 2020
આંધ્રપ્રદેશના ઇલુરુ શહેરમાં ફેલાયેલાં એક રહસ્યમય રોગને કારણે રવિવારે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે લગભગ 292 લોકો બીમાર પડ્યા હતા. આ અંગે પશ્ચિમ ગોદાવરી જિલ્લાના તબીબી અને આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, 140 થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર બાદ ઘરે પરત ફર્યા છે જ્યારે અન્યની સ્થિતિ સ્થિર છે.
આરોગ્ય અધિકારી ના જણાવ્યા મુજબ, ફીટ અને ઉબકાના લક્ષણોથી પીડાતા લોકો અચાનક બેભાન થઈ જતાં હતાં. દરેકના રક્ત પરીક્ષણો અને સીટી (મગજ) સ્કેન કરવામાં આવ્યું હોવા છતાં આરોગ્ય અધિકારીઓ અચાનક ફાટી નીકળેલા રોગનું કારણ શક્યા નથી. જોકે શરૂઆતમાં એવી આશંકા હતી કે પાણીના દૂષણને લીધે આ રોગ ફેલાયો હોય શકે છે.
જિલ્લા ના સંયુક્ત કલેકટરે જણાવ્યું હતું કે, હૈદરાબાદથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન એન્ડ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીના નિષ્ણાંત વૈજ્ઞાનિકો રોગના કારણોનું નિદાન કરવા માટે ઇલુરુ પહોંચ્યા છે.
રહસ્યમય રોગના ફેલાવા અંગે ચિંતા વ્યક્ત કરતાં રાજ્યના રાજ્યપાલ સાથે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સતત સંપર્કમાં છે. અને તમામ મદદનો ભરોસો પણ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન આજે ઇલુરુની જી.જી.એચ. માં દર્દીઓની મુલાકાત લઈ, પશ્ચિમ ગોદાવરી જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે.