ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
15 ઓક્ટોબર 2020
ગુજરાતમાં 16 મી ઓક્ટોબર એટલે કે આવતી કાલથી ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખૂલ્લુ મુકાશે. સાસણ નજીકના નિયત રૂટ પર પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે. મહત્વનું છે કે, ચોમાસામાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓનો સંવનન કાળ હોય છે. તેમજ જંગલના રસ્તાઓ પણ કાદવ કિચડ થી જઈ શકાય તેવા રહેતા નથી. આથી ચોમાસા દરમ્યાન વન્ય પ્રાણીઓને કોઈ ખલેલ ન પડે તે માટે 15 જૂનથી ગીર અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉધાન પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતા જ હોઈ છે. જોકે, આ વખતે કોરોના વાયરસનાં સંક્રમણને કારણે 16 મી માર્ચથી ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું.
બરાબર 7 મહિના બાદ આવતીકાલથી શરૂ થતા ગીર અભયારણ્યમાં મુલાકાતીઓએ કોવિડ-19 ની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવુ પડશે. મુલાકાતીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવુ પડશે. પાર્કમાં ગણતરીના જ લોકોને પ્રવેશ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આખું સાસણ પ્રવાસીઓ પર નભે છે ત્યારે અહીંના પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને કોરોના કાળમાં મોટો ફટકો પડ્યો છે. ત્યારે આવતી કાલથી પ્રવાસીઓ આવવાના શરૂ થતા સ્થાનિકોમાં પણ એક આશા જાગી છે.
કોરોના મહામારીના કારણે કરાયેલા લોક ડાઉન બાદથી જૂનાગઢનો સક્કરબાગ પ્રવાસીઓ માટે બંધ કરાયું હતું. સરકારની ગાઇડ લાઇન બાદ 1 ઓક્ટોબરથી સક્કરબાગને ફરી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. દરમિયાન 1 થી લઇને 13 ઓક્ટોબર સુધીમાં 65 વર્ષથી નીચેના 4,808 અને 10 વર્ષથી ઉપરના 615 મળી કુલ 5,423 લોકોએ સક્કરબાગની મુલાકાત લીધી હતી.