ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
05 ઓક્ટોબર 2020
કોવિડ-19 રોગચાળાને પગલે, નાગરિકોને હાલમાં મુંબઇની જીવાદોરી સમાન ગણાતી ઉપનગરીય ટ્રેનોમાં મુસાફરી કરવાની મંજૂરી નથી. હમણાં સુધી, રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ, રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેન્કોના કર્મચારીઓ અને અન્ય આવશ્યક સેવાઓ કર્મચારીઓને જ ખાસ ઉપનગરીય સેવાઓ પર મુસાફરી કરવાની મંજૂરી છે. જેને કારણે સામન્ય જનતા જાત જાતના બહાના ઉપજાવી ટ્રેનમાં પ્રવાસ કરે છે. પરંતુ થોડા દિવસો થી નકલી આઈડી લઈ પ્રવાસ કરતાં લોકોની સંખ્યા વધી જવાથી રેલવે પ્રશાસને મુસાફરો ની વધુ કડક તપાસ શરૂ કરી છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, દરરોજ સરેરાશ 20 નકલી આઈડી લઈ મુસાફરી કરતા લોકો ઝડપાય છે અને તેને દંડ કરવામાં આવે છે. વઘુમાં કહ્યું કે, 15 મી જૂનથી 2 જી ઓક્ટોબર 2020 સુધી સ્પેશિયલ લોકલ ટ્રેનો શરૂ થયા પછી, ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ છેતરપિંડી, નકલી આઈડી કેસોમાં જીઆરપી સાથે મળી પાંચ એફઆઈઆર કેસ પણ નોંધાયા છે.
15 જૂનથી, વેસ્ટર્ન રેલ્વે એ ટિકિટ વિના મુસાફરી કરતા 4,555 મુસાફરો પાસેથી કુલ રૂ 23.24 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. જ્યારે બોરીવલી સ્ટેશન પર એક એજન્ટ દ્વારા જારી કરાયેલા નકલી આઈડી કાર્ડ લઇને ફરતાં બે લોકોને પકડવામાં આવ્યા છે. ત્યારબાદ એજન્ટની ધરપકડ કરવામાં આવી હતી અને હવે તે જામીન પર બહાર છે. હાલ ટેક્સી, રિક્ષા, બસ મર્યાદિત સંખ્યામાં હોવાથી મુંબઈગરાઓ લોકલ ટ્રેનો ફરી શરૂ કરવાની માંગ કરી રહયાં છે.