ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 સપ્ટેમ્બર 2020
– ગુજરાતમાં જૂન મહિનાના અંત સુધીમાં જિયોફાઇબરના કુલ 1.54 લાખ ગ્રાહકો થયા
– જૂનમાં મોબાઇલ ગ્રાહકોમાં જિયો અને BSNLના ગ્રાહકોની સંખ્યામાં વધારો, વોડાફોન આઇડિયા તથા એરટેલે ગ્રાહકો ગુમાવ્યા
માર્ચ મહિનાના અંતિમ સપ્તાહથી શરૂ થયેલા અને મે મહિનાના અંતમાં સમાપ્ત થયેલા લોકડાઉને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની યાદીને ધરમૂળથી બદલી નાખી છે. રોટી, કપડાં અને મકાન બાદ બ્રોડબેન્ડનો સૌથી વધુ જરૂરિયાતની ચીજવસ્તુઓમાં ઉમેરો થઈ ગયો છે. બ્રોડબેન્ડ અથવા ઓપ્ટિકલ ફાઇબરની માગમાં અચાનક ઉછાળો આવ્યો છે. અનલોકના પહેલા જ મહિનામાં જિયોના ગુજરાતમાં જિયોફાઇબરના 17000 ગ્રાહકો વધ્યા હતા.
ગુરુવારે ટેલિકોમ રેગ્યૂલેટર, ધ ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) દ્વારા ગ્રાહકોના આંકડા જારી કરવામાં આવ્યા હતા, જેમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે, 30 જૂન, 2020 સુધીના સમયગાળા દરમિયાન ગુજરાતમાં જિયોફાઇબર કનેક્શન્સ અથવા વાયરના 17000 નવા ગ્રાહકોનો ઉમેરો થતાં જિયોફાઇબરના કુલ ગ્રાહકોની સંખ્યા 1.54 લાખ થઈ છે.
આ સમયગાળા દરમિયાન એરટેલે પણ 2300 ગ્રાહકોનો ગુજરાતમાં વધારો નોંધાવ્યો છે, જ્યારે વોડાફોન આઇડિયાના ગ્રાહકોમાં 120 કનેક્શનનો વધારો નોંધાવા પામ્યો હતો. આ વધારા બાદ એરટેલના કુલ ગ્રાહકોની સંખ્યા 1.01 લાખ અને વોડાફોન આઇડિયાના ગ્રાહકોની સંખ્યા ગુજરાતમાં જૂન મહિનો પૂરો થવાની સ્થિતિએ કુલ 32,000 નોંધાઈ છે.
અત્યારે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને અન્ય શહેરો સાથે ગુજરાતમાં જિયોફાઇબર 15 શહેરોમાં તેની સેવાઓ આપે છે. તાજેતરમાં જ કંપનીએ જિયોફાઇબર યુઝર્સ માટે નવા પ્લાન્સની જાહેરાત કરી છે, જેનાથી તેની માગમાં આગામી સમયમાં વધારો થાય તેવી અપેક્ષા છે.
ટ્રાઈના અહેવાલમાં જૂન 2020ની સ્થિતિએ વાયરલેસ અથવા મોબાઇલ યુઝર્સના આંકડાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ અહેવાલ અનુસાર ગુજરાતમાં જિયો અને BSNL તેના ગ્રાહકોમાં વધારો નોંધાવવામાં સફળ રહ્યા છે.
જૂન 2020 સુધીમાં ગુજરાતમાં જિયોએ 3.64 લાખ તથા BSNLએ 500 ગ્રાહકોનો વધારો નોંધાવ્યો છે. જૂન મહિનો અનલોકનો પહેલો મહિનો હોવાથી નવા કનેક્શન્સની માગમાં જોરદાર ઉછાળો આવ્યો હતો, તેના પરિણામે ગુજરાતમાં કુલ મોબાઇલ ધારકોની સંખ્યામાં 60,000 ગ્રાહકોનો વધારો નોંધાયો છે. મે 2020ની સ્થિતિએ ગુજરાતમાં કુલ મોબાઇલ ધારકોની સંખ્યા 6.61 કરોડ હતી જે જૂન 2020 સુધીમાં વધીને 6.62 કરોડ થઈ છે.
ગ્રાહકોની સંખ્યામાં થયેલા આ વધારા સાથે ગુજરાતમાં જિયોના કુલ ગ્રાહકો મે મહિનામાં 2.39 કરોડ હતા જે જૂન મહિનામાં કુલ 2.43 કરોડ થયા છે. જ્યારે જૂન મહિનાના વધારા સાથે BSNLના કુલ ગ્રાહકોની સંખ્યા 61,000 થઈ છે.
જ્યારે વોડાફોન આઇડિયા અને એરટેલે આ સમયગાળામાં પણ તેમના ગ્રાહકોમાં સતત ઘટાડો નોંધાવ્યો છે. મે મહિનામાં ગુજરાતમાં કુલ 2.61 કરોડ ગ્રાહકોમાંથી વોડાફોન આઇડિયાએ 2.76 લાખ ગ્રાહકો ગુમાવતાં જૂન મહિનાની સ્થિતિએ તેના કુલ ગ્રાહકોની સંખ્યા 2.58 કરોડ થઈ છે. જ્યારે મે મહિનામાં કુલ 99.50 લાખ ગ્રાહકો ધરાવતાં એરટેલે 30,000 ગ્રાહકો ગુમાવતાં જૂનમાં ગુજરાતમાં તેના કુલ ગ્રાહકો જૂન મહિનાની સ્થિતિએ 99.20 લાખ થયા છે.
