ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો
મુંબઈ
19 સપ્ટેમ્બર 2020
ભારતીય નૌસેનામાં લાંબા સમય સુધી સેવા આપનાર યુધ્ધ જહાજ આઈ.એન.એસ. વિરાટ શુક્રવારે પોતાની અંતિમ સફર પર નિકળી ગયું છે. નેવીમાં 30 વર્ષ સુધી સેવા આપનાર આ જહાજને 2017માં રિટાયર કરાયું હતું. એ પછી શુક્રવારે તે મુંબઈથી ભાવનગર જવા માટે રવાના થઈ ગયુ છે. આ વિમાન વાહક જહાજ 20 સપ્ટેમ્બરે (રવિવારે) રાતે ભાવનગર પહોંચશે.
ઉલ્લેખનીય છે કે, 60 વર્ષ જૂનું યુદ્ધ જહાજ હાલ જહાજ બંધ હાલતમાં છે અને એને ખાસ ટગ દ્વારા ટોઇંગ કરીને લાવવામાં આવશે. આઈએનએસ વિરાટ એક માત્ર એવું યુધ્ધ જહાજ છે જે પહેલાં બ્રિટન અને એ પછી ભારતની નેવીનો હિસ્સો રહી ચુક્યું છે. યુદ્ધ જહાજને `ગ્રેટ ઓલ્ડ લેડી'ના નામથી પણ ઓળખવામાં આવે છે.
વિરાટને 2017માં એક હરાજીમાં 38.54 કરોડ રુપિયામાં ખરીદવામાં આવ્યું હતું. એ પછી મુંબઈમાં જ નેવલ ડોકયાર્ડ પર અત્યાર સુધી તે તૈનાત હતું. હવે તેને ભાવનગરના અલંગ શીપયાર્ડમાં રવાના કરાવી દેવાયું છે. હરાજીમાં જહાજને લેનાર કંપનીનું કહેવું છે કે, મોટરસાયકલ બનાવનાર ઘણી કંપનીઓ તેમના સંપર્કમાં છે. તેઓ આ જહાજનું સ્ટીલ ખરીદવા માંગે છે. નોંધનીય છે કે આ અગાઉ રિટાયર થયેલા આઈએનએસ વિક્રાંત જહાજના સ્ટીલમાંથી પણ મોટર સાયકલ બનાવાઈ હતી.