ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 સપ્ટેમ્બર 2020
ગુજરાતના વિસાવદર જિલ્લાના શેખવા વિરપુર ગામના જંગલમાં એક અરેરાટી ભરી ઘટના બની છે. ગીરના જંગલનો જ એક ભાગ ગણાતાં આ વિસ્તારમાં એશિયાઇ સિંહોનો વાસ જોવા મળે છે. મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં રહેતા 6 વર્ષના બાળકની સિંહણે હત્યા કરી દીધી છે. અચાનક સિંહણ ત્રાટકી હતી અને આ બાળકને ઊંચકી ગઈ હતી. બાળકના પિતાએ આ દ્રશ્ય જોતા જ બુમાબુમ કરી મૂકી. જેને કારણે આસપાસ રહેતા ગામવાસીઓ દોડી આવ્યાં હતાં.
આ બનાવ અંગે વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, મંગળવારે સવારે અચાનક એક સિંહણે હુમલો કરી બાળકને નજીકની ઝાડીમાં ખેંચી જઈ બાળકને ઘાયલ કરી દીધો હતો. બાળકને તરત નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ડૉક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો. હાલ વન્ય કર્મચારીઓ પીડિત પર હુમલો કરનાર પ્રાણીને શોધવાના તમામ પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અહીં બાળક ખેતમજૂરી કરતાં માતા પિતા અને બે ભાઈ સાથે નજીકના જ એક ફાર્મમાં રહેતો હતો.