ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 સપ્ટેમ્બર 2020
ગુજરાતમાં પાણીની ચોરી કરનારાઓની હવે ખેર નથી. તેઓને કોઈ બચાવી શકે એમ નથી. વિવિધ રીતે પાણી ચોરી કરતાં પકડાઈ જશો તો દર એક હજાર લિટરે 85 રૂપિયાનો દંડ ભરવો પડશે, અને આ દંડ ચૂકવવામાં મોડુ કરશો તો બમણો દંડ ચૂકવવો પડશે. ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, પાણી ચોરી ની મોટા પ્રમાણમાં ફરિયાદો મળ્યા બાદ, વર્ષ 2019 માં આ અંગેનો ખાસ કાયદો બનાવવામાં આવ્યો હતો. તેમજ પાણી ચોરી કરનારાઓ સામે કડક વલણ અપનાવી સજા કરવાનું ચાલુ છે.
ગુજરાત ભરમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં વિવિધ રીતે લોકો પાણીની ચોરી કરતા હોય છે. તેમજ પસાર થતી પાઇપલાઇનમાં ભંગાણ કરી પાણી ચોરતાં હોય છે. આવી રીતે પાણી ચોરી થતી હોવાના કારણે જેમણે ખરેખર નળ નું કનેક્શન લીધું હોય છે અને પાણી વેરો ભરતા હોય છે, તેવા લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. આથી પાણી ચોરી કરનારા સામે સરકાર દ્વારા નગરપાલિકા અને મહાનગરપાલિકાને સત્તા આપવામાં આવી છે. આ માટે ખાસ નોડલ ઓફીસરની પણ નિમણૂક કરવામાં આવી છે. આ ઓફિસરને પાણી ચોરી કરતી વ્યક્તિ સામે સીધા પગલાં લઈ શકવાની સત્તા આપવામાં આવી છે. નોંધનીય છેકે ગુજરાતમાં ઔદ્યોગિક ઉપયોગમાં લેવાતા પાણી માટે ખાસ મીટર મૂકવામાં આવ્યા છે અને વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા પાણીની માપણી કરવામાં આવે છે. આથી ઔદ્યોગિક વિસ્તાર માં પણ પાણી ચોરી પકડવી હવે આસાન બન્યું છે.
