News Continuous Bureau | Mumbai
- ‘પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૧૯: સુરત જિલ્લો’
- પપૈયા પોતે આંબા, જામફળ, સંતરા, મોસંબી, ચીકુ, લીચી વગેરેનો આંતર પાક હોવાથી તેનું ઉત્પાદન આ પાક સાથે જ લેવો વધુ હિતકારક છે
- વરસાદનું અથવા સિંચાઈનું પાણી થડની પાસે ભરાઈ જવાથી થતાં રોગ-કીટકોને નાથવા નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિ અસ્ત્ર, ખાટી છાસ, અને સુંઠાસ્ત્રનો છંટકાવ કરવો
Natural farming: રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રોત્સાહન, માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ત્યારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પપૈયાના વાવેતર તથા તેના ઉછેર અંગે જરૂરી માર્ગદર્શન અને માહિતી મળી રહે તે બાબતે વિગતવાર વાત કરીશું. કેરી પછી પપૈયા સમૃદ્ધ ફળોના ક્રમમાં બીજા નંબર પર આવે છે. તેમની ખેતી ભારતમાં ઉત્તર પ્રદેશ, બિહાર, આસામ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, દિલ્હી, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, જમ્મુ-કાશ્મીર અને દક્ષિણ ભારતના રાજ્યોમાં કરવામાં છે. પપૈયા આખું વર્ષ ફળ આપે છે. પરંતુ પપૈયાનો છોડ નર છે કે માદા તે ફૂલ આવે નહિ ત્યાં સુધી ખબર પડતી નથી. આપણા દેશમાં પપૈયા મુળ ઉષ્ણકટીબંધનો પાક હોવા છતાં સમશિતોષ્ણ કટિબંધના મોટાભાગના વિસ્તારોમાં પણ થાય છે. પરંતુ, કડકડતી ઠંડી, ધુમ્મસ અને તેજ હવા એમના વિકાસમાં મુશ્કેલીઓ પહોંચાડે છે.
Natural farming: જાત
મધુબિંદુ, સિલેકશન-૭, સિલોન, વોશીંગ્ટન વગેરે આ બધી પ્રાચીન જાતો છે, નવી જાતોમાં કો-૧, કો-૨, કો-૭, કુર્ગ હનીડયું, રેડફલેશ વગેરે છે. પુસા ડેલિસિયસ, પુસા મેજેસ્ટી, પુસા જાયન્ટ, પુસા ડવાર્ફ અને પુસા નન્હા આ વગેરે પણ નવી જાતો છે.
Natural farming: પ્રસર્જન
પપૈયાનું વાવેતર બીજ દ્વારા થાય છે. તેના માટે ઉત્તમ જાતના પપૈયા ખરીદીને એના બીજ કાઢીને વાવવા. પપૈયાનાં બીજ સીધા નકકી કરેલા સ્થાન પર વાવવાના હોય છે. આ માટે નર્સરીમાં વાવવાની કોઈ જરૂરિયાત નથી. જો નર્સરીમાં બીજ ઉગાડવા હોય તો તેને પહોળા ક્યારા બનાવી વાવો. ૪.૫ ફૂટ અંતર પર ક્યારા બનાવો, જેમાં ૧.૫ ફૂટની નીક અને ૩ ફૂટનું બેડ બનાવો. બેડ પર ૩ x ૩ ઈંચના અંતરે માટી પર પહોળી લીટી તાણો અને એ લીટીમાં બીજામૃતથી પટ આપેલ બીજોને વાવો. એ બીજને ત્યાંની જ માટીથી ઢાંકી, એના પર જીવામૃત છાંટી સુકા પાંદડાનું આચ્છાદન કરવું. આચ્છાદન પર એટલુ પાણી છાંટો કે બીજના અંકુરણને એમાંથી ભેજ મળે. પ્રતિ દિવસ આ રીતે આચ્છાદન પર પાણી તેમજ જીવામૃતનો છંટકાવ કરતો રહેવો. ૧૫ થી ૨૦ દિવસોની અંદર અંકુરણ ફૂટી જશે. અંકુરણ થયા બાદ આચ્છાદનને હટાવી દો અને ત્યારબાદ નીક (ધોરીયા) દ્વારા પાણી સાથે જીવામૃતને ભેળવીને આપવું. છંટકાવ માટે જીવામૃતનું પ્રમાણ ૧૦ લીટર પાણીમાં ૩૦૦, ૪૦૦ અથવા ૫૦૦ મિલી લીટર રાખવું એનાથી ઉતમ જાતના તંદુરસ્ત રોપ તૈયાર થશે. એક એકર વિસ્તારમાં ૨૦૦ થી ૨૫૦ ગ્રામ બીજ પૂરતા છે. પપૈયાના બીજમાં અંકુરણ ક્ષમતા ૪૫ દિવસની હોય છે, એથી પપૈયાના બીજ એ સમય દરમિયાન જ અથવા જલ્દી ઉગાડી લેવા જોઈએ.
આ સમાચાર પણ વાંચો: Shravan Tirth Darshan Yojana: ગુજરાત સરકારની શ્રવણ તીર્થ દર્શન યોજનાને મળ્યો બહોળો પ્રતિસાદ, આટલા લાખથી વધુ વરિષ્ઠ નાગરીકોએ કરાવ્યું રેજીસ્ટ્રેશન
Natural farming: વાવેતર
• જમીનની ખેડ/ખેતી કાર્યો કર્યા પછી ખેતઓજારો દ્વારા વાવેતર સ્થળથી બે ફૂટ દૂર ધોરિયા કરવા, આઠ ફૂટમાં ચાર ધોરિયા/નીકપાળો આવી જશે. પ્રથમ નીકમાં આઠ અથવા જે અંતર નક્કી કરેલ હોય તે જ અંતરે બીજ/રોપ વાવવા. બે હાર વચ્ચે સરગવાનું વાવેતર કરવું અને પપૈયાથી આઠ ફૂટ દૂર કરવામાં આવેલ નીકમાં તુવેરનું વાવેતર કરવું. પપૈયાની એક હારમાં સરગવો અને બીજી હારમાં તુવેર ક્રમશઃ વાવવું. દ્વિતીય અને ચોથી પપૈયાની હારમાં ચોળી, મરચી અને ગલગોટા વાવવા. પપૈયાની ત્રીજી હારમાં તમામ પ્રકારના વેલાવાળા શાકભાજી વાવવા. એ જ પ્રમાણે આખા પ્લોટ/જમીનમાં ક્રમશઃ વાવેતર કરવું. જે સ્થળે બીજ અથવા રોપનું વાવેતર કરવાનું હોય, તે જગ્યાએથી ચાર ભાગ માટી, બે ભાગ ગળોતીયું છાણિયું ખાતર અને એક ભાગ ઘનજીવામૃત ભેળવીને થોડા થોડા સરખા પ્રમાણમાં આપવું. જીવામૃત ચોમાસાની ઋતુમાં જયારે વરસાદ બંધ થાય છે ત્યાર બાદ છોડની પાસેની માટીમાં એક મહિનામાં બે વખત જીવામૃત આપવું. આ સાથે પપૈયા તેમજ આંતર પાકો પર પણ જીવામૃતનો એક મહિનામાં બે વાર છંટકાવ કરવો.
• સ્ફુરણના એક મહિના પછી ૧૦૦ લીટર પાણી + ૫ લીટર જીવામૃત, સ્ફુરણના બે મહિના પછી ૧૦૦ લીટર પાણી + ૭ લીટર જીવામૃત, સ્ફુરણના ત્રણ મહિના પછી ૧૦૦ લીટર પાણી + ૧૦ લીટર જીવામૃત, આ પછી ફાલ આવતા પહેલા ૧૦૦ લીટર પાણી +૧૦ લીટર જીવામૃત, ફળ આવ્યા પછી ૧૦૦ લીટર પાણી + ૩ લીટર ખાટી છાશ, ફળ આવ્યાના ૧૫ દિવસ પછી ૧૦૦ લીટર પાણી + ૧ લીટર નાળિયેરનું પાણી, છેવટે ૧૫ દિવસના અંતરે ૧૦૦ લીટર પાણી + ૧ લીટર, છેલ્લો છંટકાવ નાળિયેરનું પાણી
Natural farming: આચ્છાદન
• બે પપૈયાની હાર વચ્ચે જે ધોરીયા છે તેના બંને બાજુએ આચ્છાદન કરવું, જેના માટે આંતરપાક જ સજીવ આચ્છાદન બની જમીન પર ઢંકાઈ જશે. જેનાથી નીંદણ નહિ થાય તથા જે નીંદણ થશે તેને ઉખેડીને તે જ સ્થાન પર નાખવું. જયારે આંતર પાકોનું આયુષ્ય પૂર્ણ થઈ જશે ત્યારે આંતર પાકો જ પરિપક્વ થઈ સુકા પાન ડાળીના સ્વરૂપે આચ્છાદનમાં પરિવર્તિત થશે. તેની સાથે સાથે તે જ આંતર પાકની જગ્યા પર ફરીથી ઋતુ પ્રમાણેના આંતરપાકના બીજનું વાવેતર કરવું. જેથી ફરીથી સજીવ આચ્છાદન એમ તુરંત જતે આંતરપાકથી સુકા પાન – ડાળીઓનું આચ્છાદન મળતું રહેશે.
Natural farming: પપૈયા વાવણીનો સમય
•૧. જૂન-જૂલાઈ ૨. સપ્ટેમ્બર-ઓક્ટોબર ૩.જાન્યુઆરી-ફેબ્રુઆરી
પપૈયાના છોડ પર જ્યાં સુધી ફૂલ બેસતા નથી ત્યાં સુધી પપૈયાના છોડ નર છે કે માદા તેની ખબર પડતી નથી. એટલા જ માટે નક્કી કરેલ જગ્યાએ એક ને બદલે બે અથવા ચાર બીજ/રોપ વાવવા જોઈએ. બે બીજ અથવા છોડની વચ્ચે ૧૦ સેમી. નું અંતર રાખવું. રોપ વાવ્યા પછી ૪ થી ૬ મહિના પછી ફૂલ આવવાનું શરૂ થાય છે. નર છોડ પર લાંબી પુષ્પગુચ્છ/પુષ્પદાંડી આવે છે. જેના પર સફેદ-પીળા રંગના ફૂલ આવે છે. આવા નર છોડને થડથી કાપી હટાવી દેવા. માત્ર પરાગનયન માટે ૫.૭% નર છોડ આખા બગીચામાં રાખવા.
આ સમાચાર પણ વાંચો: Road safety rally: દહેગામ ખાતે માર્ગ સલામતી જાગૃતિ રેલીનું આયોજન કરાયું, રેલીમાં 300થી વધુ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી કેડેટ્સ જોડાયા
Natural farming: સહજીવી આંતર પાક
પપૈયા પોતે આંબા, જામફળ, સંતરા, મોસંબી, ચીકુ, લીચી વગેરેનો આંતર પાક છે. તેથી તેનું ઉત્પાદન આની સાથે જ લેવું વધુ હિતકારક છે. પપૈયાની સાથે સરગવો, તુવેર, અળવી, મરચું, આદુ, હળદર, ચોળી, ડુંગળી, ગલગોટા, ટામેટા, રીંગણા, અડદ, ગુવાર તેમજ વેલાવાળા શાકભાજી ઉગાડવા જોઈએ. નર જાતિના છોડ પૂરે પુરા બગીચામાં રહેવા દેવા. પપૈયાના છોડ પર ૧૦-૧૧ મહિનામાં ફળ આવવાનું શરૂ થઈ જાય છે અને ૧૪ મહિના સુધીમાં ફળ પાકી જાય છે. ઘણી વખત અમુક છોડમાં ખૂબ જ વધારે ફળો બેસે છે. આવા ફળોમાંથી નબળા ફળોને કાઢી નાખો નહીતર નાના અને નબળી ગુણવતાવાળા ફળ આવશે.
Natural farming: પાક સુરક્ષા
જયારે વરસાદનું પાણી અથવા સિંચાઈનું પાણી થડની પાસે વધુ ભરાઈ જાય છે ત્યારે રોગ અને કીટકો આવે છે. આ સમસ્યાના નિવારણ માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્ન્યસ્ત્ર, ખાટી છાસ, અને સુંઠાસ્ત્રનો છંટકાવ જરૂર કરવો.
આમ, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે ચાલો આપણે પણ કૃષિ ક્ષેત્રે ‘બેક ટુ બેઝિક’ના મંત્રને યાદ રાખી આપણાં મૂળ સાથે જોડાઈએ, પ્રાકૃતિક કૃષિ અપનાવીએ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed