News Continuous Bureau | Mumbai
7th Pay Commission: સરકારી કર્મચારીઓ (Government Employees) માટે મોંઘવારી ભથ્થા (Dearness Allowance) અંગે વધુ એક અપડેટ બહાર આવ્યું છે. કેન્દ્ર સરકાર (Central Government) ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થવાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે. આ વધારો 1 જુલાઈ, 2023થી લાગુ થશે.
કેન્દ્રીય કર્મચારીઓને આશા છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થઈ શકે છે. ડીએમાં ત્રણ ટકાના વધારા સાથે મોંઘવારી ભથ્થું વધીને 45 ટકા થઈ જશે. ડીએમાં વધારાની ભેટ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવશે. આ વર્ષે આ બીજી વખત હશે જ્યારે સરકાર તેમાં વધારો કરશે. અગાઉ 1 જાન્યુઆરીથી ડીએ અને ડીઆરમાં વધારો કરવામાં આવ્યો હતો.
ડીએમાં વધારો કયા આધારે નક્કી કરવામાં આવ્યો છે?
ડીએમાં વધારો શ્રમ મંત્રાલયની લેબર બ્યુરો શાખાના માસિક ગ્રાહક ભાવ સૂચકાંકના ડેટાના આધારે નક્કી કરવામાં આવે છે. મંત્રાલયે અત્યાર સુધીમાં જુલાઈ માટેનો આંકડો જાહેર કર્યો છે, જે 3.3 પોઈન્ટ વધીને 139.7 થઈ ગયો છે. આ આંકડાના આધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરી શકે છે. જો કે આખરી નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે.
મોંઘવારી ભથ્થું ક્યારે વધશે?
કેન્દ્ર સરકાર ડીએમાં ક્યારે વધારો કરવા જઈ રહી છે તેની સત્તાવાર માહિતી હજુ આવી નથી. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત સપ્ટેમ્બરમાં ગમે ત્યારે થઈ શકે છે. ડીએ સરકારી કર્મચારીઓ અને ડીઆર પેન્શનરોને આપવામાં આવે છે અને જાન્યુઆરી, જુલાઈમાં વર્ષમાં બે વાર લંબાવવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : Bandra Worli Sea Link Accident: વરલી સી-લિંક પર પૂર્વ BJP MLAના પુત્રનો જીવલેણ ભયનાક અકસ્માત, કેવી રીતે થયો આ ભયાનક અકસ્માત? જાણો સંપુર્ણ વિગતો
ગત વખતે ડીએમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો
છેલ્લી વખત માર્ચ 2023માં ડીએમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે વર્તમાન ડીએ 42 ટકા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ અનેક રાજ્યોએ મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. જેમાં મધ્યપ્રદેશ, ઓડિશા, કર્ણાટક, ઝારખંડ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે.