ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
વિદેશી ઈ-કૉમર્સ કંપની એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા ભારત સરકારની ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પૉલિસી, 2018 (FDI) દ્વારા સતત નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. એવા સંજોગોમાં આ બંને વિદેશી કંપનીઓના વેપારી મોડ્યુલની ચાલી રહેલી તપાસને ઝડપી બનાવવાની અને તેમની સામે તાત્કાલિક પગલાં લેવાં જોઈએ એવી માગણી કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા (CAIT) દ્વારા કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા (CCI)ના ચૅરમૅન અશોકકુમાર ગુપ્તાને પત્ર લખીને કરવામાં આવી છે. બંને વિદેશી કંપનીઓ દ્વારા પ્રતિસ્પર્ધા અને નિયમોનું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનું કેટના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું.
CCIને પત્ર લખીને CAIT દ્વારા આ કંપનીઓની તપાસ થાય નહીં ત્યાં સુધી તેમના પૉર્ટલ તાત્પૂરતાં સમય માટે બંધ કરી દેવાની માગણી પણ કરવામાં આવી છે. તપાસ અધિકારીઓએ આ કંપનીઓના તમામ સંબંધિત દસ્તાવેજો, કૉમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક અને અન્ય ડેટાને પણ જપ્ત કરી લેવાની માગણી પણ મૂકવામાં આવી છે. આ વિદેશી કંપનીઓ તમામ દસ્તાવેજો અને ડેટા નષ્ટ કરી શકે છે એવો આરોપ પણ CAIT દ્વારા કરવામાં આવ્યો છે.
અરે વાહ સારા સમાચાર. મોંઘવારી ઘટી, ફુગાવો ઘટયો
CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભારતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે એમેઝોન અને ફ્લિપકાર્ટની વિરુદ્ધ CCI દ્વારા તપાસ ચાલી રહી છે. એના પર સ્ટે લાવવા માટે બંને કંપનીઓની અપીલને ફગાવી દેવામાં આવી હતી. એથી તપાસ ઝડપી ગતિએ થશે એવી અપેક્ષા હતી, પરંતુ તપાસ ધીમી ગતિએ ચાલી રહી છે. એને કારણે ભારતીય બજારમાં આ બંને કંપનીઓ ખોટી રીતે પ્રતિસ્પર્ધા આભી કરી રહી છે, જેને કારણે અન્ય વેપારીઓના હિતને નુકસાન થઈ રહ્યું છે. એથી આ બંને કંપનીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. અન્યથા તપાસનો મૂળ હેતુ જ જોખમમાં આવી પડશે.