ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 નવેમ્બર 2021
સોમવાર.
વિશ્વના ઘણા દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટએ જોખમ ઊભું કર્યું છે. તેને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે 27મી નવેમ્બરને કોરોનાને લગતી નવી નિયમાવલી બહાર પાડી હતી, તેની સામે સમગ્ર રાજયમાં વેપારી વર્ગ આક્રોશમાં છે. સરકારની નિયમાવલી મુજબ જો ગ્રાહક માસ્ક દુકાનની અંદરથી પકડાયો તો દુકાનદાર પાસેથી 10,000નો દંડ વસૂલવામાં આવશે. સરકારે ઉતાવળે બહાર પાડેલા આ નિયમોથી દુકાનદારોમાં ગભરાટનું વાતાવરણ ફેલાઈ ગયું હોવાનું કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ કહ્યું હતું. એટલું જ નહીં પણ આટલો મોટો દંડ રાખીને સરકારે અપ્રત્યક્ષ રીતે ભ્રષ્ટાચારને આમંત્રણ આપ્યું હોવાનો દાવો પણ વેપારી વર્ગે કર્યો છે.
CAITના પદાધિકારીઓના કહેવા મુજબ છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીમાં અસરગ્રસ્ત થયેલા વેપારીઓનો ધંધો ધીમે ધીમે પાટા પર ચઢી રહ્યો છે, આવી સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન જોઈને વેપારીઓ ચોંકી ગયા હતા. આ ગાઈડલાઈન મુજબ કરે કોઈ ભરે કોઈ. બીજાની ભૂલની સજા દુકાનદાર કેમ ભોગવે? એ ક્યાંનો ન્યાય? છેલ્લા 2 વર્ષમાં ખેડૂતો કરતાં વેપારીઓએ વધુ આત્મહત્યા કરી છે. તેની સામે સરકાર કોઈપણ પ્રકારની મદદ કરવામાં નિષ્ફળ ગઈ છે. વેપારીઓની આટલી હદે હેરાનગતિ બિલકુલ વ્યાજબી નથી.
CAITના કહેવા મુજબ જો સરકારે ગાઈડલાઈનનું પાલન કરાવવા માગતી હોય તો પહેલા તો તેમણે જનજાગૃતિ લાવીને લોકોને સમજાવવા પડશે. ગ્રાહકોને માસ્ક પહેરવું કેમ ફાયદાકારક છે તેની સમજ આપવી પડશે. દંડની રકમ એટલી જ હોવી જોઈએ કે જેનાથી લોકોની આદતોમાં સુધારો થાય. શું રાજ્ય સરકાર સાર્વજનિક સ્થળે કે રાજ્યની સરકારી કચેરીઓમાં માસ્ક પહેર્યા વિના જતા સામાન્ય નાગિરકો માટેનો દંડ સરકારી અધિકારી પાસેથી પણ દુકાનદારની જેમ વસૂલશે? દુકાનદારો સાથે જ આ અન્યાય શા માટે? આટલો મોટો દંડ રાખીને સરકાર ભ્રષ્ટાચારને અને લાંચને આમંત્રણ આપી રહી છે. તેથી આટલી મોટી રકમનો દંડ લગાવવાના આદેશ સરકારે પાછો ખેંચવો જ પડશે.
વેપારીઓની આત્મહત્યાને લઈને નિતી આયોગે વ્યક્ત કરી ચિંતા, આપ્યું આ આશ્વાસન; જાણો વિગત
CAIT મેટ્રોપોલિટન જનરલ સેક્રેટરી તરુણ જૈને મિડિયાને આપેલા સ્ટેટમેન્ટ મુજબ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે, તેથી સરકારે કોરોના નિયંત્રણો હળવા કરવાની જરૂર છે. પરંતુ અન્ય દેશોમાં કોરોનાની વધતી અસરને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્રમાં કડક પગલાં લીધા છે, મહારાષ્ટ્રમાં કોરોના રસીકરણના ડોઝની સંખ્યાને જોઈને સરકારે નિર્ણય લેવો જોઈતો હતો. જો ગ્રાહક મોલમાં માસ્ક પહેર્યા વગર જોવા મળશે તો મોલના માલિકને 50 હજાર રૂપિયાનો દંડ થશે. સરકારનો હેતુ માત્ર કોરોનાના નામે પૈસા પડાવવાનો જ હોય તેવું લાગી રહ્યું છે.