ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 જુલાઈ 2021
સોમવાર
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી રહી છે. છતાં ત્રીજા લેવલના પ્રતિબંધો રાજય સરકારે યથાવત રાખ્યા છે. તેનાથી વેપારી વર્ગ તો હેરાન થઈ રહ્યો છે પણ સાથે જ સામાન્ય જનતા પણ ત્રાસી ગઈ છે. લોકોમાં સતત સરકાર પ્રત્યે વિરોધની લાગણી જણાઈ રહી છે. ત્યારે રાજયના જે જિલ્લામાં કોરોના સંપૂર્ણપણે નિયંત્રણમાં હશે ત્યાં વેપાર-ધંધાની પૂરેપરી છૂટછાટ આપવામાં આવશે એવું રાજયના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું છે.
કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવવાની સાથે જ જૂન મહિનામાં રાજય સરકારે પાંચ તબક્કામાં પ્રતિબંધો હળવા કરવાનો નિર્ણય લીઘો હતો. પરંતુ ત્રણ અઠવાડિયામાં જ સરકારે પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો અને સંપૂર્ણ રાજયમાં ત્રીજા લેવલના પ્રતિબંધો અમલમાં મૂકી દેવામાં આવ્યા હતા. તેને કારણે નોન-ઈશેન્શિયલ દુકાનો સાંજે 4 વાગે બંધ કરી દેવી પડે છે. તથા મોલ્સ સહિત અન્ય પ્રવૃતિઓ બંધ છે. ત્યારે વેપારીઓ અને નાગરિકોની નારાજગીને જોતા આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેનો સૂર થોડો બદલાયો છે. રાજયમાં જે જિલ્લામાં કોરોના નિયંત્રણમાં હોય ત્યારે વેપારધંધાને પૂર્ણપણે મંજૂરી આપવા બાબતે તેઓએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરી છે. મુખ્ય પ્રધાન આ વાત માન્ય કરી છે. ટૂંક સમયમાં તેઓ આ બાબતે પોતાનો નિર્ણય જાહેર કરશે એવું રાજેશ ટોપેએ કહ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે કોરાની ત્રીજી લહેર, મ્યુકરમાયકોસિસ અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટસ જેવા કારણો આગળ કરીને મહારાષ્ટ્રમાં છૂટછાટ આપવાથી સરકાર દૂર ભાગી રહી છે. તેથી સામે હવે વેપારીઓની સાથે જ નાગરિકોમાં પણ સરકાર પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેથી સરકારે હવે પ્રતિબંધો હળવા નહી કર્યા તો નાગરિકો રસ્તા પર ઉતરી આવે એટલીહદે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.