ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 2 ડિસેમ્બર 2021
ગુરુવાર.
તાજેતરમાં ફોર્ચ્યુન ઈન્ડિયાએ ભારતની ટોચની 50 શક્તિશાળી મહિલાઓની યાદી બહાર પાડી હતી, જેમાં દેશના સૌથી ધનાઢય ગણાતા બિઝનેસમેન મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક નીતા અંબાણી બીજા નંબરે રહ્યા છે. પહેલા નંબરે દેશના અર્થ મંત્રી નિર્મલા સીતારમણ અને ત્રીજા નંબર અભિનેત્રી પ્રિયંકા ચોપરા છે.
આ યાદીમાં ઈશા અંબાણીનો પણ સમાવેશ થાય છે. રિલાયન્સ જીઓ અને રિલાયન્સ રિટેલની ડાયરેકટર ઈશા એ સૌથી યુવા પ્રભાવશાળી મહિલા રહી છે. તેની ઉંમર હજી માત્ર 30 છે.
ફોર્ચ્યુન ઈન્ડિયાના દાવા મુજબ એપ્રિલ 2020માં કોરોના મહામારીને પગલે દેશભરમાં લોકડાઉન લાગુ કરાયું હતું. એ દરમિયાન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે મિટિંગ કરીને કોરોનાને કારણે ગરીબોને કેટલી અસર થઈ શકે છે, તેની માહિતી તેમણે મેળવી હતી. ત્યારબાદ મુંબઈ મહાનગરપાલિકા સાથે મળીને 50 બેડની કોવિડ હોસ્પિટલ બાંધવાની તેમણે જવાબદારી લીધી હતી. ત્યારબાદ તેની ક્ષમતા 2,000 બેડની કરી હતી. ઓક્સિજનનો પુરવઠો ઉપલબ્ધ કરવામાં પણ તેમણે મદદ કરી હતી. તેમ જ તેમણે સારવાર પણ મફતમાં ઉપલબ્ધ કરાવી હતી.
આ યાદીમાં પહેલા નંબર દેશના અર્થમંત્રી નિર્મલા સીતારમણ રહ્યા હતા, 2020માં લોકડાઉન બાદ તેમણે 36 કલાકમાં જ પત્રકાર પરિષદ લીધી હતી. આવી પત્રકાર પરિષદ લેનારા તેઓ પહેલા કેન્દ્રીય મંત્રી હતા. મહામારીનો સામનો કરવા માટે અને અર્થવ્યવસ્થા સુધારવાની જવાબદારી તેમણે બરોબર પાર પાડી હોવાનો દાવો ફોર્ચ્યુન ઈન્ડિયાએ કર્યો છે.