ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ડિસેમ્બર 2021
સોમવાર.
દેશના ઈ-કોમર્સ વ્યવસાયમાં વિદેશી ભંડોળવાળી ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા સતત નિયમો અને કાયદાઓનું ઉલ્લંઘન કરવાનો વેપારીઓ સતત આરોપ કરી રહ્યા છે. એવામાં ગુડ્સ સર્વિસ ટેક્સ( GST)માં દિવસેને દિવસે સરકાર વધારો કરી રહી છે, તેને કારણે વેપારી સમુદાયને અસ્તિત્વ ટકાવું મુશ્કેલ થઈ ગયું હોવાની પણ વેપારીઓ ફરીયાદ કરી ચૂક્યા છે. આ મુદ્દે વારંવાર ફરિયાદ કર્યા બાદ પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર મૌન સેવી બેઠી હોવાની નારાજગી દેશભરના વેપારીઓએ વ્યકત કરી છે. આ પરિસ્થિતિ કાયમ રહી તો સરકારે તેની કિંમત ચૂંટણીમાં ચૂકવવી પડશે, વેપારી વર્ગ ચૂંટણીમાં ઉમેદવારને હરાવનાની તાકાત ધરાવે છે એવી આકરા શબ્દોમાં કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ સરકારને ચીમકી આપી છે.
CAITના પદાધિકારીઓના કહેવા મુજબ આ ઈ-કોમર્સ કંપનીની દાદાગીરી અને જીએસટી જેવા સળગતા મુદ્દાઓ અને અન્ય વ્યવસાયિક મુદ્દાઓ પર રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ચાલુ કરવામાં આવશે. જેની વ્યૂહરચનાને અંતિમ સ્વરૂપ આપવા માટે CAIT એ દેશવ્યાપી સંઘર્ષ અભિયાન કરવાનું છે. 11 અને 12 જાન્યુઆરીના રોજ ઉત્તર પ્રદેશની ઔદ્યોગિક રાજધાની કાનપુરમાં ભારતના તમામ રાજ્યોના અગ્રણી વેપારી નેતાઓની "રાષ્ટ્રીય પરિષદ" બોલાવવામાં આવી છે, જેમાં તમામ રાજ્યોમાંથી 100 જેટલા વેપારી આગેવાનો અને વિવિધ ઉત્પાદનોના રાષ્ટ્રીય સંગઠનો ભાગ લેશે.
CAITના દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રીલીઝમાં કહેવામાં આવ્યું છે કે દેશની તમામ રાજ્યોની સરકારો વિદેશી ઈ-કોમર્સ કંપનીઓને સમર્થન આપી રહી છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલે છેલ્લા બે વર્ષમાં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પર અને જાહેરમાં ઈ-કોમર્સ કંપનીઓને ચેતવણી આપી છે પણ હકીકતમા કોઈ પગલા લીધા નથી. વેપારીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા જીએસટીની આવક ગુમાવવાના પુરાવા આપ્યા પછી પણ આ કંપનીઓ નિયમો અને નિયમોનું ઉલ્લંઘન કરે છે, છતાં સરકાર ચૂપ બેઠી છે.
CAITના પદાધિકારીઓના કહેવા મુજબ વર્ષ 2017 માં, તત્કાલિન નાણા મંત્રી શ્રી અરુણ જેટલીએ CAITને GST વિશે જે માહિતી આપી હતી, તેનાથી GSTનું વર્તમાન સ્વરૂપ તદન અલગ છે. અરુણ જેટલીના અવસાન પછી, GST કાઉન્સિલે વેપારીઓની સલાહ લેવાનું અને એવા નિર્ણયો લેવાનું બંધ કરી દીધું છે. ટેક્સટાઇલ અને ફૂટવેર પર જીએસટીના ટેક્સના દરમાં વધારો કરવાની દરખાસ્તએ તેનો સીધો પુરાવો છે. દેશની 85% વસ્તી એક હજાર રૂપિયાથી ઓછી કિંમતના કપડાં અને ફૂટવેર ખરીદે છે, જેના પર હાલમાં 5% GST ટેક્સ દર છે પરંતુ જાન્યુઆરીમાં 1, 2022 આ કર દર 12% હશે, જે દેશની 85% વસ્તીને સીધી અસર કરશે. આ નિર્ણય અત્યંત અતાર્કિક છે અને દેશભરમાં ફેલાયેલા નાના ઉત્પાદકો, કારીગરો અને અન્ય વર્ગોની આજીવિકા પર ખરાબ અસર કરશે. જીએસટીનું સમગ્ર માળખું બિઝનેસ કરવાની સરળતાની વિરુદ્ધમાં ગયું છે, પરંતુ કોઈ સાંભળતું નથી. .
ભારતીય રિઝર્વ બેન્કે આ બેંકને ફટકાર્યો અધધ લાખ રૂપિયાનો દંડ; જાણો શું છે કારણ
દેશભરના વેપારીઓ સરકારની અસ્પષ્ટ નીતિથી ખૂબ જ કંટાળી ગયા છે અને અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી સમગ્ર દેશમાં વ્યાપક સંઘર્ષ અભિયાન ચલાવવાની ફરજ પડી છે. આગામી 11-12 જાન્યુઆરીએ કાનપુરમાં યોજાનારી રાષ્ટ્રીય વેપારી પરિષદમાં દેશના મોટા વેપારી અગ્રણીઓ આ માટે વ્યાપક રણનીતિ નક્કી કરશે, જે અંતર્ગત દેશના તમામ રાજ્યોમાં ભારત વેપાર સ્વરાજ્ય રથયાત્રા, રાજ્ય સ્તરીય વિરાટ ટ્રેડર્સ કોન્ફરન્સ, દેશભરના બજારોમાં વિરોધ પ્રદર્શન. સરઘસ, મશાલ સરઘસ, ધરણા, સાંસદો અને ધારાસભ્યોનો ઘેરાવ, દેખાવો, રાજ્ય સ્તરીય વેપાર બંધ અને ભારત વેપાર બંધના આયોજનને અન્ય વિરોધ કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવશે. વેપારીઓએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોને હરાવવાની યોજના પણ બનાવવી હોવાનો દાવો કર્યો છે.