ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑગસ્ટ, 2021
ગુરુવાર
તહેવારો દરમિયાન દેશમાં ખાદ્ય તેલ અને પામતેલના ભાવ આસમાને પહોંચેલા છે. એવા સમયે ભારત સરકારે ખાદ્ય તેલ અને પામ તેલની આયાત ઘટાડીને એના માટે આત્મનિર્ભર બનવા માટે 11,040 કરોડ રૂપિયાની નૅશનલ મિશન ઑન એડિબલ ઑઈલ ઍન્ડ પામ યોજનાને કૅબિનેટમાં મંજૂર કરી છે. એથી આગામી સમયમાં તેલના ભાવ અંકુશમાં આવે એવી શક્યતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે થયેલી બેઠકમાં કૃષિ મંત્રાલયે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ મહિનાની શરૂઆતમાં જ વડા પ્રધાને નવી યોજનાની જાહેરાત કરી હતી.
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાથી શું ભારતમાં ડ્રાયફ્રૂટ્સ મોંઘાં થશે? જાણો વિગત
કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે આ બાબતે મોડેથી જાણકારી આપી હતી કે સરકારે તેલના ભાવ અંકુશમાં લાવવા અને આયાત ઘટાડવા બે નિર્ણય લીધા છે. એમાં પામ તેલના કાચા માલની કિંમત સરકાર નક્કી કરશે. બીજું, બજારમાં થતી ઊતર-ચઢને કારણે ખેડૂતોને તેમના પાકનું મૂલ્ય ઓછું થવાના સંજોગોમાં કેન્દ્ર સરકાર DBTના માધ્યમથી ખેડૂતોને નુકસાની ભરપાઈ કરશે.
અહીં ઉલ્લેખનીય છે કે ભારત પોતાની તેલની જરૂરિયાત પૂરી કરવા માટે મોટા પાયા પર આયાત પર નિર્ભર છે. દેશમાં દર વર્ષે 2.4 કરોડ ટન ખાદ્ય તેલનું ઉત્પાદન થાય છે. બાકીની જરૂરિયાત પૂરી કરવા માટે અન્ય દેશોમાંથી તેલની આયાત કરવી પડે છે. ભારત ખાસ કરીને ઇન્ડોનેશિયા અને મલેશિયાથી પામ તેલ, બ્રાઝિલ અને આર્જેન્ટિનાથી સોયા તેલ અને રશિયા તથા યુક્રેનથી સૂર્યમુખીનું તેલ આયાત કરે છે. કુલ આયાતમાં પામ તેલનો હિસ્સો 55 ટકા છે.