ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 સપ્ટેમ્બર 2020
દેવામાં ડૂબેલા અનિલ અંબાણીએ શુક્રવારે લંડનની અદાલતમાં પોતાની સામે ચાલી રહેલા કેસમાં કોર્ટને જણાવ્યું હતું કે તે હવે સામાન્ય જીવન જીવી રહ્યા છે. વકીલોની ફી ચૂકવવા માટે તેમણે પત્નીના ઘરેણાં વેચવા પડ્યાં છે. અનિલે કોર્ટને કહ્યું હતું કે મારી પાસે આવકનું કોઈ સાધન નથી અને હાલમાં મારી પત્ની અને પરિવાર મારું ગુજરાન કરી રહ્યાં છે. ખર્ચને પહોચી વળવા માટે તે પોતાની સંપત્તિ વેચવા માગે છે અને કોર્ટ તેની મંજૂરી આપે તેની રાહ જોઈ રહ્યા છે.
કોર્ટમાં અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે જાન્યુઆરી અને જૂન 2020 વચ્ચે ઘરેણાં વેચીને તેમણે રૂ. 9.9 કરોડ મેળવ્યા છે . જયારે કોર્ટે અનિલને લક્ઝરી ગાડીઓ અંગે પૂછ્યું તો તેમણે જણાવ્યું કે મીડિયામાં આવતા આ બધા સમાચારો ખોટા છે, મારી પાસે ક્યારેય રોલ્સ-રોઈસ હતી જ નહિ. અત્યારે મારી પાસે માત્ર એક જ કાર છે. પ્રાઈવેટ હેલિકોપ્ટર અંગે તેમણે કહ્યું હતું કે હું તેનો વ્યક્તિગત વપરાશ કરું છું ત્યારે તેના માટે ચુકવણી કરું છું.
અદાલતને ખબર પડી કે 1 જાન્યુઆરી 2020ના રોજ અનિલ અંબાણી નું બેંક બેલેન્સ 20.8 લાખ રૂપિયા જ હતું. અનિલ અંબાણીએ અદાલતમાં કહ્યું હતું કે તેમની ગણના ભારતના સૌથી ધનિક લોકોમાં થતી હતી, પરંતુ હવે તેની પાસે 1,10,000 ડોલરનું માત્ર એક આર્ટવર્ક છે.
બ્રિટિશ હાઇકોર્ટે 22 મે 2020ના રોજ પસાર કરેલા આદેશમાં અંબાણીને 12 જૂન સુધીમાં ચીનની બેન્કોના 71,69,17,681 અથવા રૂ. 5,281 કરોડની લોન ચૂકવવા કહ્યું હતું. તે જ રીતે, અંબાણીને 50,000 પાઉન્ડ એટલે કે લગભગ સાત કરોડ રૂપિયા કાનૂની ખર્ચ તરીકે ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું.