ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
ઉત્તર પ્રદેશમાં લખીમપુરમાં ખેડૂતોની હત્યાના વિરોધમાં સોમવાર 11 ઑક્ટોબર, 2021ના મહારાષ્ટ્ર બંધની હાકલ કરવામાં આવી છે. એથી સોમવારના નવી મુંબઈ સ્થિત APMC માર્કેટ પણ બંધ રાખવામાં આવવાની હોવાથી APMCના સંચાલકોએ જાહેરાત કરી છે. શુક્રવારના એને લગતો સર્ક્યુલર APMC બજારના તમામ વેપારીઓમાં ફરી વળ્યો હતો.
કોરોનાને પગલે ધંધો ઠપ્પ થઈ ગયો હતો. એ માંડ હવે ગાડી પાટે ચઢી છે. તહેવારોની મોસમ ચાલી રહી છે. ખરીદી માટે લોકોની ભીડ ઊમટી રહી છે ત્યારે બરોબર તહેવારોમાં એક દિવસ દુકાન બંધ રાખવાના APMC સંચાલકોના નિર્ણયથી મોટા ભાગના વેપારીઓ નારાજ થઈ ગયા છે.
પવઈ લેક કિનારે સાઇકલ નહીં ચલાવી શકો. ભાજપ આંદોલનની તૈયારીમાં ; જાણો વિગતે
શુક્રવારે APMCના સભાપતિ અશોક ડકના નામે એક લેટર બહાર પાડવામાં આવ્યો હતો, એ મુજબ ઉત્તર પ્રદેશમાં લખીમપુરની ઘટનાના નિષેધમાં મહારાષ્ટ્ર બંધની હાકલ કરવામાં આવી છે. એથી સોમવાર 11 ઑક્ટોબર 2021ના મુંબઈ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિની તમામ બજારો બંધ રાખવાની અપીલ કરવામાં આવે છે. અશોક ડકના નામનો લેટર બજારમાં તમામ વેપારી ઍસોસિયેશન સાથે જોડાયેલા વેપારીઓમાં ફરી વળ્યો હતો. APMC બજાર સાથે સંકળાયેલા મોટા ભાગના વેપારીઓ જોકે આ બંધની વિરોધમાં છે, છતાં નાછૂટકે તેઓએ બરોબર તહેવારના સમયમાં એક દિવસ દુકાન બંધ રાખવી પડવાની છે. મોટા ભાગના વેપારીઓએ એકમતે કહ્યું હતું કે લખીમપુરની દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો સામે દુ:ખ છે. તેમના પ્રત્યે સંવેદના છે, પરંતુ આ રીતે બજાર બંધ કરાવવાથી કશો લાભ થવાનો નથી. પરંતુ મહારાષ્ટ્રની સરકાર જોકે આ બંધમાં જોડવાની હોય તો વેપારીઓ પાસે એમાં નાછૂટકે જોડાવા સિવાય કોઈ ઉપાય નથી.