ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑક્ટોબર, 2021
શનિવાર
મેટલ વેપાર સાથે જોડાયેલા વેપારીઓ ગુડ્સ સર્વિસ ટૅક્સ (GST)માં બની રહેલાં બોગસ બિલોને મુદ્દે હેરાનપરેશાન થઈ ગયા છે. મેટલ પર રહેલા 18 ટકા જેટલા ઊંચા GST અને બોગસ બિલોને કારણે તેમને ભરવી પડતી પેનલ્ટિને કારણે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે, ત્યારે તાજેતરમાં જ બૉમ્બે મેટલ એક્સચેન્જની 65મી ઍન્યુલ જનરલ મિટિંગની બેઠક થઈ હતી, એમાં વર્ષ 2021-23ની મુદત માટે સંદીપ ટી. જૈનની અધ્યક્ષ પદે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. અધ્યક્ષપદે નિમાવાની સાથે જ તેમણે વેપારીઓને ગુડ્સ સર્વિસ ટૅક્સ(GST)ને લઈને આવી રહેલી સમસ્યાઓ સહિત અન્ય તકલીફોનું નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું હતું.
મેટલ સાથે જોડાયેલા વેપારીઓને આવી રહેલી અડચણોને લઈને બહુ જલદી વેપારી ઍસોસિયેશન મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની મુલાકાત લેવાના છે. અજિત પવાર GST કાઉન્સિલના મેમ્બર છે. બૉમ્બે મેટલ ઍસોસિયેશનના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અને હાલ ડાયરેક્ટર રહેલા હેમંત પારેખે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે હાલ મેટલ પર 18 ટકા GST છે, એને ઘટાડીને 5 ટકા કરવાની અમારી માગણી છે. આ માગણી સાથે અમે બહુ જલદી અજિત પવારની મુલાકાતે જઈને તેમને રજૂઆત કરવાના છીએ. મેટલ પર રહેલા ઊંચા GSTને કારણે બોગસ બિલનું પ્રમાણ વધી ગયું છે.
બોગસ બિલને કારણે વેપારીઓને વેપારમાં ભારે તકલીફો આવી રહી છે એવું જણાવતાં હેમંત પારેખે કહ્યું હતું કે 18 ટકા જેટલો ઊંચો GST હોવાથી બોગસ બિલોનું પ્રમાણ વધી ગયું છે. મેટલ સાથે જોડાયેલા વેપારીઓ જ્યારે સ્ક્રેપ ખરીદે છે ત્યારે તેમને બોગસ બિલિંગ બાબતે ખબર નથી પડતી. બોગસ બિલોને કારણે વેપારીઓને માથે લટકતી તલવાર છે. બોગસ બિલોને કારણે અમારા પર બોજો પડી રહ્યો છે. સામેની પાર્ટી બિલ મોકલી દેતી હોય છે, પણ તેઓ બિલ પર રહેલો 18 ટકા GST ભરતા નથી, જે અહીં ખરીદી કરનારા વેપારીઓને ભરવો પડે છે. જોકે આ 18 ટકા GST અમને 100 % પેનલ્ટી સાથે એટલે કે 18 ટકા પેનલ્ટી ભરવો પડે છે, એમાં પાછું 24% વ્યાજનો પણ ઉમેરો થાય છે. ઉદાહરણ તરીકે જો એક કરોડ રૂપિયાનો GST હોય અને એ સામી પાર્ટીએ નથી ભર્યો તો અમારે મૂળ GSTની રકમ, પેનલ્ટી સહિત 24 ટકા વ્યાજની સાથે મળીને અઢી કરોડ રૂપિયા ચૂકવવા પડે છે.
મેટલ પર રહેલા ઊંચા GSTને કારણે અમુક લોકો GST ભરતા નથી અને અમારે એની કિંમત ચૂકવવી પડે છે. એથી મેટલ પરનો GST ઘટાડીને 5 ટકા કરવાથી બોગસ બિલિંગના બનાવ પર નિયંત્રણ મેળવી શકાશે એવું હેમંત પારેખે કહ્યું હતું.
આ દરમિયાન મુંબઈના ગ્રાન્ટ રોડમાં 16 સપ્ટેમ્બરના ઍસોસિયેશનની થયેલી ચૂંટણીમાં અન્ય પદાધિકારીઓમાં સિનિયર વાઇસ પ્રેસિડન્ટપદે સુશીલ આર. કોઠારી, વાઇસ પ્રેસિડન્ટપદે મહેન્દ્રભાઈ મહેતા ચૂંટાયા હતા. એ સિવાય હેમંત મહેતા, રાજીવ ખંડેલવાલ, રાજેશ અગ્રવાલ, મહેન્દ્ર શાહ, રિકબ મહેતા, પૂજન પરીખ, મિહિર પરીખ, રવિ એમ. જૈન, અભિનીત અગ્રવાલ, અમિત સંગોઈ, અલ્પેશ મુણોત, હેમંત કાબરા, અતુલ ગોયલ પણ ઍસોસિયેશનનાં અન્ય પદો પર ચૂંટાયા હતા.