ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 સપ્ટેમ્બર 2020
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ટિકટોકના કારોબારને વેચી દેવાનો આદેશ કરતાં ટિકટોક ખરીદવા માટે કંપનીઓ વચ્ચે હોડ જામી હતી. અગાઉ માઇક્રોસોફ્ટ એકલું જ ટિકટોકની ખરીદી માટે આગળ આવ્યું હતું. જે બાદ ટ્વીટરે પણ ટિકટોક ખરીદવા રસ દાખવ્યો છે. તેવામાં હવે અમેરિકાની 'ઓરેકલ' કંપનીએ બાજી મારી લીધી છે.
ટીકટોકની માલિકીની ચાઇનીઝ કંપની બાઈટડાન્સે માઇક્રોસોફટની ઓફર ફગાવી દીધી છે. બાઇટડાન્સ કંપનીએ યુએસમાં ટીકટોક ચલાવવા માટે ઓરેકલ સાથે 'તકનીકી ભાગીદારી' કરી છે. આ કેસ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ, બાઇટડાન્સ કંપનીએ તેની વિડિયો બનાવતી એપ્લિકેશન ટીકટોકનું સંપૂર્ણ વેચાણ કર્યું નથી.
આ 'ટેક્નીકલ પાર્ટનરશીપ' ડીલ અંતર્ગત ઓરેકલ હવે રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓની તપાસ કરશે અને નિરાકરણ લાવશે, જે અંગે અગાઉ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે. યુએસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાઇટડાન્સને અમેરિકામાં ટીકટોકનો વ્યવસાય અમેરિકન કંપનીને વેચવા માટે 15 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો.
બાઈટડાન્સે એક નિવેદનમાં કહ્યું છે કે તેની દરખાસ્ત ટિકટોકના યૂઝર્સ માટે અને રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં પણ ખૂબ સારી છે. જે રાષ્ટ્રીય સુરક્ષા, ગોપનીયતા, ઓનલાઇન સલામતી અને અફવાઓ રોકવા જેવા પ્રશ્નો હલ કરવાની ખાતરી આપે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઓરેકલના વખાણ કરી ચૂક્યા છે. બીજીબાજુ ઓરેકલના કો-ફાઉન્ડર અને ચેરમેન લેરી એલિસન સરેઆમ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કરી રહયાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી નવેમ્બરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી થવાની છે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ એક ઉમેદવાર છે..
