ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑક્ટોબર, 2021
શનિવાર
કોરોના કાબૂમા આવતાં પરિસ્થિતિ ધીમે ધીમે નિયંત્રણમાં આવી રહી છે. બ્રેક ધ ચેઇન હેઠળ સરકારે પણ તમામ નિયંત્રણો હળવાં કર્યાં છે. એવા સંજોગોમાં દિવાળીના તહેવારમાં લોકો ધૂમ ખરીદી કરી રહ્યા છે. જોકે બજારમાં જઈને દુકાનોમાં ખરીદી કરવાને બદલે ઑનલાઇન ખરીદીનું પ્રમાણ વધી ગયું છે. એનો ફાયદો સ્થાનિક વેપારીઓને બદલે ઑનલાઇન વિદેશી ઈ-કંપનીઓને થઈ રહ્યો છે. એથી એની સામે દેશભરના વેપારીઓએ રીતસરની ગ્રાહકોને ઑનલાઇનને બદલે બજારમાં ઊતરીને સ્થાનિક વેપારીભાઈઓ પાસે ખરીદી કરવાની અપીલ કરી રહ્યા છે.
કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) મહાનગરના અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં લોકોની ખરીદીના ટ્રેન્ડમાં ખાસ્સો ફેરફાર થયો છે. વિદેશી ઑનલાઇન કંપનીઓના માર્કેર્ટિગને કારણે લોકો ઑનલાઇન શૉપિંગ તરફ વળ્યા છે. એની સીધી અસર સ્થાનિક બજાર પર પડી છે. ઘરાકી ઘટી જતાં વેપારીઓને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવવું, દુકાનના કર્મચારીઓને પગાર કેવી રીતે આપવો તેની ચિંતા સતાવી રહી છે. તેથી લોકોએ સ્થાનિક વેપારીઓની સાથે જ તેમની સાથે જોડાયેલા કર્મચારીઓનો વિચાર કરતાં લોકલ વેપારીઓ પાસે ખરીદી કરીને તેમને પ્રોત્સાહન આપવું જોઈએ.
CAITના મહાનગર મંત્રી તરુણ જૈનના જણાવ્યા પ્રમાણે દિવાળીને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ઑનલાઇન ઈ-કૉમર્સ કંપનીઓનાં જબરદસ્ત સેલ ચાલી રહ્યાં છે. ઑનલાઇન કંપનીઓનું વેચાણ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. એની સામે સ્થાનિક વેપારીઓના ધંધામાં જોઈએ એટલી તેજી નથી. દુકાનો ખુલ્લી છે, પરંતુ ગ્રાહકોની સંખ્યા ઓછી જણાય છે. એથી ગ્રાહકોને સ્થાનિક વેપારીઓને મદદરૂપ થવાના ઇરાદે તેમની પાસેથી ખરીદી પર ભાર આપવો જોઈએ. જો આ પ્રમાણે જ ઑનલાઇન ખરીદી થતી રહી તો સ્થાનિક વેપારીઓને અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ થઈ જશે.