ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જાન્યુઆરી 2022
શુક્રવાર.
ઈ-કોમર્સ ઓનલાઈન દ્વારા ગ્રાહકોને સતત છેતરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો આવતી હોય છે. તાજેતરમાં જ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ પાસે ઓનલાઈન શોપિંગ પોર્ટલ “શોપી” પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી. હવે એક ગ્રાહક દ્વારા તેની સાથે છેતરપિંડી કરવા બદલ લખનઉમાં શોપી કંપની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હોવાનું જણાયું છે.
CAIT દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ ફરિયાદી શશાંક શેખર સિંહે 15 જાન્યુઆરીએ લખનઉના મોહનલાલગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમના કહેવા મુજબ 10 ડિસેમ્બરે શોપીમાંથી પ્રોડક્ટ્સ ઓનલાઈન મંગાવતા હતી, પરંતુ તેને જે પ્રોડક્ટ મળ્યું હતું તે નકલી ઉત્પાદન હતું.
ગ્રાહકે નોંધાવેલી FIRમાં શોપી, તેની મૂળ કંપની બેંગ્લુરુ સ્થિત SPPIN ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને કંપનીના વરિષ્ઠ અધિકારીઓના નામ છે. સિંહના કહેવા પ્રમાણે, તેણે શોપીમાંથી રૂ. 840, રૂ. 399 અને રૂ. 1,299માં ત્રણ પ્રોડક્ટ્સનો ઓર્ડર આપ્યો હતો. તેના ધરે જે પ્રોડક્ટની ડિલિવરી કરવામાં આવી હતી તે પ્લેટફોર્મ પર દર્શાવેલ પ્રોડક્સ નહોતા, પરંતુ તે નકલી જણાઈ આવ્યા હતા.
CAITના પદાધિકારીઓના કહેવા મુજબ થોડા દિવસ પહેલા (CAIT) એ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલને શોપી પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી, હતી અને દાવો કર્યો કે તે ભારતમાં કામ કરવા માટે FEMA ધોરણો અને 2020 FDI ની વિરુદ્ધ તેઓ કામ કરી રહ્યા છે. શોપી એ એક ઈ-કોમર્સ જાયન્ટ છે જેણે ભારતમાં તેની કામગીરી SPPIN ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ નામની એન્ટિટી દ્વારા શરૂ કરી હતી જે બે હોલ્ડિંગ કંપનીઓ, SPPIN I પ્રાઇવેટ લિમિટેડ અને SPPIN II પ્રાઇવેટ લિમિટેડ, બંને સિંગાપોરમાં નોંધાયેલી છે.
CAITના પદાધિકારીના કહેવા મુજબ "આ બંને એકમો કેમેન ટાપુઓમાં નોંધાયેલ અન્ય પેરેન્ટ કંપની SPPIN લિમિટેડ સાથે છે. એન્ટિટીની આ જટિલ રચના ભારત સરકારને છેતરવાનો પ્રયાસ સિવાય કંઈ નથી."
અહીં ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઈકોર્ટે ગયા વર્ષે નવેમ્બરમાં શોપીના નામે SPPIN ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ચલાવવામાં આવતી ઈ-કોમર્સ વેબસાઈટ્સ અને મોબાઈલ એપ્સને બ્લોક કરવાની માંગ કરતી અરજી પર કેન્દ્રનો જવાબ માંગ્યો હતો.