News Continuous Bureau | Mumbai
-D.K.
ન્યુટનની ગતિના ત્રીજા નિયમમાં સાબિત થયું છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ હંમેશા પરસ્પર વિરુધ્ધ અને સમાન હોય છે. ધાણાનાં જે વેપારીએ આ નિયમને યાદ રાખ્યો હશે તેને આજની અનિશ્ચિત બજારમાં વાંધો નહીં આવે. કારણ કે છેલ્લા ત્રણ મહિનાથી ધાણાના ભાવ જેટલા ઘટે છે એટલા જ બળથી પાછા વધી રહ્યા છે. એનસીડેક્સનાં વાયદામાં નવા વર્ષના પ્રારંભે એટલે કે જાન્યુઆરી ૨૦૨૬ નાં પ્રથમ સપ્તાહમાં ધાણાનાં ક્વિન્ટલ દિઠ ભાવ ૯૭૦૦ રુપિયાથી ૧૦૨૦૦ રૂપિયાની રેન્જમાં હતા. જે ત્રીજી ફેબ્રુઆરી ૨૦૨૬ નાં રોજ ૧૨૫૦૦ રૂપિયા થયા પછી ૨૩ મી ફેબ્રુઆરીએ પાછા ઘટીને ૧૦૨૦૦ ની સપાટીએ આવ્યા અને પાંચમી માર્ચે પાછા વધીને ૧૧૮૦૦ રૂપિયા થયા હતા. મતલબ કે જે ગતિએ ભાવ ઘટે છે તે જ ગતિએ પાછા વધે છે.
ધાણા સહિતનાં મસાલાનાં માગ અને પુરવઠાનાં અંદાજ આપતી બે કોન્ફરન્સ પુરી થઇ ગઇ છે. જેમાં આ વખતે ધાણાનું વાવેતર અને ઉત્પાદન ઘટવાનાં અંદાજ આવ્યા છે. ગુજરાતમાં નવા ધાણાની આવકો શરૂ થઇ ગઇ છે. ભાવ વધવાની સાથે જ આવકો પણ વધે છે. બજારમાં હવે સૌ માને છે કે આ વખતે ધાણાનું ઉત્પાદન ગત વર્ષની સરખામણીઐ ૧૦ થી ૨૦ ટકા જેટલું ઘટશે. સાથે જ કેરી ફોરવર્ડ સ્ટોકમાં પણ ઘટાડો થવાનો અંદાજ છે. ગુજરાત સરકારે ૨૭ મી જાન્યુઆરીએ આપેલા છેલ્લા આંકડા પ્રમાણે આ વખતે ગુજરાતમાં ૧૨૬૦૦૦ હેક્ટર વિસ્તારમાં ધાણાનું વાવેતર થયું છે જે ગત સિઝનમાં ૧૩૧૦૦૦ હેક્ટરમાં નોંધાયું હતું. આજરીતે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ વાવેતર ૧૫ થી૨૦ ટકા જેટલું ઓછુ છે. એકતરફ અખાતી યુધ્ધ ચાલુ છે અને બીજીતરફ રશિયા જેવા દેશોમાં પણ ધાણાનું વાવેતર ઘટ્યું છે. તેથી વૈશ્વિક બજારમાં પણ ધાણાનો પુરવઠો ગત વર્ષ કરતા ઓછો રહેવાનું નિષ્ણાંતો જણાવે છે.
ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડર્સ (ફીસ્સ) ની કોન્ફરન્સમાં ધાણાનું ઉત્પાદન કરતા રાજ્યોમાંથી આવેલા પ્રતિનિધિઓએ આ વખતે ધાણાનો પાક ૮૦ થી ૯૦ લાખો બોરી થવાનો અંદાજ મુકયો છે. જ્યારે ગત વર્ષે ૧.૨૦ કરોડ બોરીનું ઉત્પાદન થયું હતું. જુના સ્ટોકની ગણતરી કરીએ તો કુલ પુરવઠા અને કુલ માગ વચ્ચે ૨૦ થી ૨૫ લાખ બોરીનો ઘટાડો રહેવાનો હાલનો અંદાજ છે. સ્વાભાવિક રીતે જ આ આંકડા આગામી દિવસોમાં તેજીનાં સંકેત આપે છે. વૈશ્વિક બજારમાં ધાણાનો પુરવઠો ઓછો હોવાથી ઉંચા ભાવે અંદાજે ૧૫ થી ૨૦ લાખ બોરી ધાણાની નિકાસ થવાનો પ્રાથમિક અંદાજ છે. જો કે હાલની યુધ્ધની પરિસ્થિતીમાં નિકાસ માટે માલ રવાના જ ન થઇ શકે તો સ્થાનિક બજારમાં પણ તેજીને બ્રેક લાગી શકે છે.
ગુજરાતના માર્કેટ યાર્ડોમાં વિતેલા સપ્તાહમાં અમદાવાદમાં યોજાયેલી કોન્ફરન્સની ચર્ચા હતી તો રાજસ્થાનની મંડીઓમાં વિતેલા સપ્તાહમાં સરકારે મંડી ટેક્ષ અને આડતના ખર્ચમાં આપેલી રાહતની ચર્ચા હતી. આ ખર્ચમાં ઘટાડો થતા હવે વેપારીના નફામાં વધારો થઇ શકે છે. જો કે કુલ મળીને અંદાજે એક થી બે ટકા જેટલી જ રાહત મળવાની છે. તેથી તેની સ્થાનિક બજાર ભાવ ઉપર કોઇ અસર પડે છે કે નહીં તે જોવાનું રહેશે.
હવામાનની અનિયમિતતાની સાથે હવે યુધ્ધની અનિયમિતતા પણ પ્રભાવી થઇ રહી છે. આવા સંજોગોમાં વેપારીઓએ હેજીંગનો સહારો લઇને વેપાર કરવો હિતાવહ રહેશે. એનસીડેક્સના ધાણાના ફ્યુચર્સમાં હાલમાં સરેરાશ દૈનિક ૧૦૦ કરોડ રુપિયાનાં વેપાર થાય છે જ્યારે ઓપન ઇન્ટરેસ્ટ ૨૩૬૦૦ ટનના છે.
નાણાકિય વર્ષ ૨૦૨૩-૨૪ માં ભારતે ૧૦૮૬૧૫ લાખ ટન ધાણાની નિકાસ કરી હતી જે વર્ષ ૨૦૨૪-૨૫ માં ઘટીને ૬૦૬૪૦ ટન રહી ગઇ હતી. ડિસેમ્બર ૨૦૨૫ માં ભારતે માંડ ૫૦૪૬ ટન ધાણાની નિકાસ કરી છે. આ વખતે સ્થાનિક બજારમાં માલની ખેંચ અને ઉંચા ભાવ રહે તો નિકાસ વર્ષ ૨૦૨૪-૨૫ નાં વર્ષની નિકાસ કરતા પણ ઘટી શકે છે.
