ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
14 ઓક્ટોબર 2020
કોરોના મહામારીના લીધે ચાલુ નાણાકીય વર્ષ ભારતીય અર્થવ્યવસ્થા માટે સારું નથી. પરંતુ વર્ષ 2021 માં બધુ ઠીક થવાની આશા છે. આ વાત આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના નવા અનુમાનથી સામે આવી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના જણાવ્યા અનુસાર ભારતીય નાણાંકીય વર્ષમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 10.3 ટકાનો ઘટાડો નોંધાય તેવી સંભાવના છે. જોકે આઇએમએફએ બીજો અંદાજ એ પણ લગાવ્યો છે કે આગામી નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 8.8 ટકાની ગતિથી વધી શકે છે અને તે ફરીથી વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની શકે છે. આ સમયગાળા દરમિયાન, ચીન 8.2 ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે.
આઈએમએફના અહેવાલ માં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2020 દરમિયાન વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં માત્ર ચીન જ એકમાત્ર એવો દેશ હશે જેમાં 1.9 ટકાનો વધારો નોંધાશે. આઇએમએફએ સાથે પોતાના અહેવાલમાં એમ પણ જણાવ્યું છે કે જીડીપી ગ્રોથ અનુમાનમાં સંશોધન ભારતના મામલે મોટું છે. તમને જણાવી દઈએ કે પાછલા નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 4.2 ટકા રહ્યો હતો.
નોંધનીય છે કે ગત અઠવાડિયે વિશ્વ બેંકે કહ્યું હતુ કે, ભારતની જીડીપી આ નાણાકીય વર્ષમાં 9.6 ટકા ઘટશે. આ ઉપરાંત મૂડીઝ સહિત અન્ય મોટી રેટિંગ એજન્સીઓ પહેલાથી જ જીડીપીમાં ઘટાડાની શક્યતાઓ વ્યક્ત કરી ચુકી છે.