ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
નવી દિલ્હી
21 ડિસેમ્બર 2020
ફ્યૂચર રિટેલ લિમિટેડ (FRL) દ્વારા તેનો બિઝનેસ રિલાયન્સ દ્વારા હસ્તાંતરણ માટે કરાયેલી રજૂઆતને સેબીએ મંજૂરી આપવાની રહે છે કારણ કે જ્યાં સુધી કંપની કાયદાની જોગવાઈઓ અને સેબીના નિયમોના પાલનનો સવાલ છે ત્યાં સુધી આ સોદામાં તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે. દિલ્હી હાઇકોર્ટે આજે આપેલા આદેશમાંથી એ મતલબનો ભાવાર્થ નીકળે છે કે સેબી દ્વારા મંજૂરી આપવા સામે એમેઝોન દ્વારા ઊભા કરાયેલા વાંધા સુસંગત લાગતા નથી.
FRL બોર્ડ દ્વારા રિલાયન્સને તેનો બિઝનેસ હસ્તગત કરવા અને તે માટેની મંજૂરીઓ માગતા ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા અને તે તમામ કાનૂની જોગવાઈઓનું પાલન કરે છે — અને તે એમેઝોન દ્વારા કરાયેલા દાવા મુજબ રદબાતલ થઈ શકે તેમ નથી. એમેઝોને ફેમા અને એફડીઆઇના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. શેરધારકોના કરારમાં એવું જણાવવામાં આવ્યું છે કે એમેઝોને FRL પર નિયંત્રણ હાંસલ કર્યું છે. જ્યારે સરકારી મંજૂરીઓના અભાવમાં તે ફેમા અને એફડીઆઇના નિયમોની વિરુદ્ધ છે. એમેઝોને FRL અને રિલાયન્સની વિરુદ્ધમાં ગૂનો કર્યો છે અને તેનાથી જો FRL અને રિલાયન્સને કોઈ નુકસાન થાય તો તેઓ તેની સામે પગલાં લઈ શકે છે.
વૈધાનિક સત્તામંડળ તરીકે સેબીને કાયદા મુજબ અરજીઓ/વાંધાઓ અંગે નિર્ણય લેવાનો નિર્દેશ કરવામાં આવે છે. આ આદેશના પરિદૃશ્યમાં સેબીએ FRL દ્વારા કરાયેલી રજૂઆતો અને હસ્તાંતરણના આયોજનને મંજૂરી આપવાની રહે છે કારણ કે આ હસ્તાંતરણ કંપની કાયદા અને સેબીના નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે. એમેઝોન દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધા સેબીની મંજૂરી માટે જરાય સુસંગત નથી.