ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
10 નવેમ્બર 2020
દિવાળીના સપ્તાહ પહેલા પુષ્પ નક્ષત્રના શુભ મુહૂર્તમાં ગુજરાતના જ્વેલરી માર્કેટ ઝગમગી ઉઠ્યા છે. ગુજરાતમાં આ શુભ મુહૂર્તે અંદાજે 200 કિલો સોનાની ખરીદી થઇ હોવાનું જ્વેલર્સ એસોસિએશનનું માનવું છે. ગયા વર્ષ કરતા આ ખરીદી ઓછી છે પરંતુ જે ખરીદી થઈ છે તેના આધારે ધનતેરસના તહેવારોમાં ઘરાકી રહેવાની આશા બંધાઈ છે.
શનિવારથી શરૂ થયેલું પુષ્યનક્ષત્રનું મુહૂર્ત રવિવારે વહેલી સવાર સુધી હોવાથી સોની બજારો રવિવારે પણ ચાલુ હતાં.
ઝવેરીઓએ જણાવ્યું કે આ વખતે મોટા ભાગની ખરીદી દાગીનામાં જ હતી. ભૂતકાળમાં સોનાના સિકકા વગેરે લેવાનું ચલણ હતું.
જ્વેલર્સ એસોસીએશને જણાવ્યું હતું કે પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદીમાં ઉત્સાહ જોવા મળ્યો. કોરોના કાળ પછી લોકો ડર છોડીને સોનાની ખરીદી તરફ પાછા આવવા લાગ્યા એ સૌથી મોટી રાહતના સમાચાર છે. આ વર્ષે લોકો ચોકકસ બજેટ સાથે ખરીદી કરતા હોવાનું માલુમ પડયુ હતું. આ પાછળનું કારણ કદાચ ઉંચા ભાવ હોઇ શકે છે.
આ દરમ્યાન અમેરિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. સરકાર દ્વારા અર્થતંત્રને વેગ આપવા માટે હવે રાહત પેકેજ જાહેર કરવામાં આવશે તેવા આશાવાદ હેઠળ સોના-ચાંદીમાં તેજી થઇ છે. ચાલુ સપ્તાહમાં હવે ધનતેરસ આવશે ત્યારે પણ લોકો શુકનવંતી ખરીદી કરવા મોટી સંખ્યામાં બહાર આવે તેવી આશા બંધાઈ છે..