News Continuous Bureau | Mumbai
EPFO Rule કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા તેના 7 કરોડથી વધુ સભ્યોને દિવાળી પહેલા એક મોટી ભેટ આપવામાં આવી છે. નવી દિલ્હીમાં યોજાયેલી કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડની (CBT) 238મી બેઠકમાં એક મોટો અને રાહત આપનારો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ, હવે EPF ખાતામાં જમા રકમમાંથી લઘુત્તમ 25% બેલેન્સ જાળવી રાખીને, બાકીની 100% રકમની એકસાથે ઉપાડ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આનાથી PF સભ્યો માટે પોતાના ભંડોળનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ બની જશે.
ઉપાડની નવી મર્યાદા અને નિયમ
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલો સૌથી મહત્વનો નિર્ણય એ છે કે EPFO સભ્યો હવે કર્મચારી અને નિયોક્તા ના હિસ્સા સહિત PF ખાતામાં લઘુત્તમ બેલેન્સ સિવાયની પાત્ર બાકીની રકમને પૂરેપૂરી ઉપાડી શકશે. લઘુત્તમ બેલેન્સ એ કુલ જમા ભંડોળના 25% છે, એટલે કે સભ્યો 75% રકમ ઉપાડી શકશે. અગાઉ, સંપૂર્ણ રકમ ઉપાડવાની મંજૂરી માત્ર બેરોજગારી અથવા નિવૃત્તિની સ્થિતિમાં જ મળતી હતી.
આ નિર્ણય સભ્યો માટે કેવી રીતે ફાયદાકારક છે?
શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, આ નિર્ણયથી તમામ EPFO સભ્યોને મોટી રાહત મળી છે. હવે સભ્ય પોતાના PF ખાતામાં 25% રકમને લઘુત્તમ બેલેન્સ તરીકે જાળવી રાખીને બાકીના 75% રકમ સરળતાથી કાઢી શકશે. આનાથી સભ્યને EPFO દ્વારા આપવામાં આવતા 8.25% વાર્ષિક વ્યાજનો લાભ મળતો રહેશે, સાથે જ લઘુત્તમ બેલેન્સ જમા રહેવાથી નિવૃત્તિ ભંડોળ પણ એકઠું થતું રહેશે, જે લાંબા ગાળા માટે સુરક્ષા પ્રદાન કરશે.
આ સમાચાર પણ વાંચો : Madagascar: નેપાળ બાદ આ દેશમાં Gen-Z યુવાનો રસ્તા પર, ઉગ્ર પ્રદર્શનો અને સત્તાપલટાના ડરથી રાષ્ટ્રપતિ દેશ છોડી ભાગ્યા
શિક્ષણ અને લગ્ન માટેના નિયમો પણ થયા સરળ
નવી દિલ્હીમાં યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં અન્ય કેટલાક નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. હવે શિક્ષણ માટે 10 વખત આંશિક ઉપાડ કરી શકાશે, જ્યારે લગ્ન માટે જરૂર પડ્યે 5 વખત રકમ કાઢી શકાશે. આ પહેલાં આ મર્યાદા માત્ર 3 આંશિક ઉપાડની હતી, જેને સમાપ્ત કરીને મોટી રાહત આપવામાં આવી છે. આ ઉપરાંત, આંશિક ઉપાડ માટે જુદા જુદા કિસ્સાઓમાં સર્વિસ ટેન્યોરની મર્યાદાને પણ બધા માટે એકસમાન કરીને 12 મહિનાની નક્કી કરવામાં આવી છે, જે નવા કર્મચારીઓ માટે ખાસ કરીને લાભદાયક સાબિત થશે. સાથે જ, હવે આ પ્રકારના દાવાઓના 100% ઓટોમેટિક નિકાલ માટે દસ્તાવેજોની જરૂરિયાત પણ નાબૂદ કરવામાં આવી છે.