News Continuous Bureau | Mumbai
NITI Aayog Report 2026 ભારત સરકારે વર્ષ 2070 સુધીમાં પર્યાવરણને નુકસાન પહોંચાડતા કાર્બન ઉત્સર્જનને શૂન્ય કરવાના લક્ષ્ય પર કામ શરૂ કરી દીધું છે. નીતિ આયોગના (NITI Aayog) તાજેતરના અહેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો આ લક્ષ્ય હાંસલ કરવું હોય તો પરિવહન ક્ષેત્રે મોટા અને ક્રાંતિકારી ફેરફારો કરવા પડશે. આ પ્રક્રિયામાં ડીઝલ વાહનોની સંખ્યા ઘટાડીને સીએનજી, હાઈબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોનો સ્વીકાર કરવો એ સૌથી મહત્વનું પગલું ગણાવ્યું છે. રિપોર્ટ અનુસાર, શહેરોમાં વધી રહેલા પ્રદૂષણને ડામવા માટે જૂના કોમર્શિયલ વાહનોને રસ્તા પરથી દૂર કરવા અને ઇથેનોલ મિશ્રિત ઇંધણ પર ચાલતા ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને પ્રોત્સાહન આપવાની ભલામણ કરવામાં આવી છે. આ ફેરફારોની સીધી અસર ઓટોમોબાઈલ ઉદ્યોગ અને સામાન્ય ગ્રાહકો પર પણ જોવા મળશે.
ગ્રાહકો અને ઉદ્યોગ માટે શું બદલાશે?
આગામી સમયમાં ડીઝલ ગાડીઓની ખરીદી મોંઘી થઈ શકે છે અથવા કંપનીઓ તેનું ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરી શકે છે. કંપનીઓએ હવે બેટરી ઉત્પાદન સાથે હાઈડ્રોજન અને બાયોગેસ ટેકનોલોજીમાં રોકાણ કરવું પડશે. બીજી તરફ, ગ્રાહકોનો ઝુકાવ હવે હાઈબ્રિડ અને ઇલેક્ટ્રિક એન્જિનવાળી ગાડીઓ તરફ વધશે. સરકારે પણ પબ્લિક ચાર્જિંગ નેટવર્ક નો વિસ્તાર કરવા પર ભાર મૂક્યો છે.
‘ઈવી’ કે ‘હાઈબ્રિડ’? કયું વાહન વધુ સારું?
નીતિ આયોગના અહેવાલમાં એક રસપ્રદ પાસું રજૂ કરવામાં આવ્યું છે કે હાલની સ્થિતિમાં હાઈબ્રિડ વાહનો બેટરી સંચાલિત ઈવી (EV) કરતા ઉત્સર્જનના મામલે વધુ સારા સાબિત થઈ શકે છે. બેટરી બનાવવાની પ્રક્રિયામાં મોટા પાયે પ્રદૂષણ થાય છે, જેની ભરપાઈ કરવા માટે ઈવી ગાડીએ ઓછામાં ઓછું 1.5 થી 2 લાખ કિલોમીટર ચાલવું પડે છે. તેથી ભારત માટે હાઈબ્રિડ મોડલ્સ એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : PMO New Office: સાઉથ બ્લોકનો યુગ પૂર્ણ, હવે ‘સેવા તીર્થ’ થી લખાશે નવા ભારતનો ઇતિહાસ! પીએમ મોદીના નવા ઓફિસની 5 મોટી ખાસિયતો જાણો.
કડક બનશે પ્રદૂષણના નિયમો
નીતિ આયોગે વાહન કાર્યક્ષમતા માટે ‘કેફે’ (CAFE) ધોરણો વધુ કડક કરવાની અને ‘ભારત સ્ટેજ’ (Bharat Stage) ધોરણોને વૈશ્વિક સ્તર સાથે સુસંગત કરવાની સલાહ આપી છે. આ ઉપરાંત, રેલવે અને જળમાર્ગોનો ઉપયોગ વધારીને રસ્તાઓ પર માલવાહક વાહનોનું ભારણ ઘટાડવાનો પણ પ્લાન છે. સરકારના આ કડક વલણને કારણે આગામી વર્ષોમાં ડીઝલ એન્જિન માત્ર ઈતિહાસ બનીને રહી જશે તેવી શક્યતા છે.
Join Our WhatsApp Community