ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
10 ડિસેમ્બર 2020
મોદી સરકાર દેશના ઘણાં જાહેર સાહસોમાં સરકારનો અમુક હિસ્સો વેંચીને નાણાં એકત્ર કરવા ઇચ્છે છે. સરકારની આ યોજનામાં આઈઆરસીટીસી પ્રથમ ક્રમાંક પર છે. આઈઆરસીટીસીમાં ઓફર ફોર સેલના માધ્યમથી સરકારની 20% સુધીનો હિસ્સો વેચવાની યોજના છે. આ ઓફર 10 ડિસેમ્બર,ગુરુવારે એટલે કે આજે ખુલી રહ્યો છે. આજે નૉન રિટેલ ઈન્વેસ્ટર્સ માટે ખુલશે, જ્યારે બીજા દિવસે રિટેલ રોકાણકારો માટે ખુલશે. આ ઓફરમાં ઓછામાં ઓછા 25% શેર મ્યુચ્યુઅલ ફંડ તથા વિમા કંપનીઓ જેવી સંસ્થાઓ માટે અનામત રાખવામાં આવ્યા છે.
આઈઆરસીટીસી પાસે ટ્રેનોમાં ટુરિઝમ, કેટરીંગ, ઓનલાઇન ટિકીટ બુકિંગ તથા પાણીની બોટલ વેચવાનો વિશેષ અધિકાર છે. આ શેરની ફલોર પ્રાઇસ રૂા.1367 રાખવામાં આવી છે. સરકાર આ યોજના થકી પોતાના કુલ 3.2 કરોડ શેરનું વેચાણ કરશે. જેનાથી 4374 કરોડ રૂપિયા મળવાનું અનુમાન છે. જણાવી દઈએ કે, સરકારે વર્તમાન નાણાંકીય વર્ષમાં વિનિવેશ થકી 2.10 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનું લક્ષ્ય રાખ્યું છે.ગઇકાલે બુધવારે શેર બજાર બંધ રહ્યું ત્યારે આ શેરનો ભાવ રૂા.1618.05 રહ્યો હતો. તે આગળના દિવસની એટલે કે મંગળવારની સરખામણી એ બુધવારે શેરના ભાવમાં 1.55%નો ઘટાડો નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં આઈઆરસીટીસીએ પોતાનો આઇપીઓ લૉન્ચ કર્યો હતો. જેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. કર્મચારીઓને માટે આ શેર 10 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર 310 રૂપિયામાં ઑફર કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય રોકાણકારોને આ શેર 320 રૂપિયામાં પડ્યા હતા.આઇપીઓ થકી સરકારે લગભગ 645 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા અને 12.6 ટકા હિસ્સેદારી વેચી હતી.
