ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 સપ્ટેમ્બર 2020
ગુજરાતમાં કોરોનાના કારણે આર્થિક ગતિવિધિ ઉપર માઠી અસર પડી હતી. પરંતુ, લોકડાઉનને ધીમે ધીમે દૂર કર્યા બાદ વેપાર ધંધા તથા આર્થિક પ્રવૃત્તિમાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે જીએસટીની આવકમાં વૃદ્ધિ થવા પામી છે. વર્ષ 2020 ના એપ્રિલ-મે માં અનુક્રમે 82 તથા 41 ટકાનો ઘટાડો નોંધાયો હતો. પરંતુ, જૂન માસમાં ટેક્સ કલેક્શનમાં વધારો નોંધાયો છે. જૂનમાં જીએસટી ની આવક 2019 ના વર્ષની સરખામણીએ પાંચ ટકા જેટલી જ ઓછી નોંધાઈ છે. જો કે જુલાઈમાં ફરી કોઈક કારણસર ટેક્સ કલેક્શન પાછલા વર્ષ કરતાં 23 ટકા ઓછું નોંધાયું છે.
રાજ્યના કરવેરા વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં વેપાર-ધંધા વેગ પકડી રહ્યા છે. ઘણી સંખ્યામાં પલાયન કરી ગયેલા કામદારો પરત ફરી રહ્યા છે. સાથે જ તંત્રએ પોતાની ઘટેલી આવક પાછી મેળવવા માટે કર ચોરી કરતા લોકો પર કડક કાર્યવાહી શરૂ કરી છે, જેને કારણે સરકારને મળતી આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે, મહત્વપૂર્ણ વાત એ છે કે જૂનમાં મોટી સંખ્યામાં એવા કરદાતાઓએ ટેક્સ જમા કરાવ્યો હતો, જેઓને કોરોનાના કારણે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં રાહત આપવામાં આવી હતી. નાણાં મંત્રાલયે એ પણ જણાવ્યું હતું કે 5 કરોડથી ઓછા ટર્નઓવરવાળા ઉદ્યોગોને સપ્ટેમ્બર સુધી રિટર્ન ભરવાની છૂટ આપવામાં આવી છે.
