ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
13 ઓક્ટોબર 2020
અમેરિકન ક્રુઝર બાઇક કંપની હાર્લી ડેવિડસનના ઇન્ડિયન ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. કંપનીએ ભારતમાં તેનું મેન્યુફેક્ચરિંગ યૂનિટ બંધ કર્યું છે. છેલ્લા એક મહિનાથી માર્કેટમાં આ સમાચાર ચર્ચાઈ રહ્યા હતા પરંતુ હવે કંપનીએ ભારતમાં ઉત્પાદન અને વેચાણ ક્ષેત્રે સૌથી મોટી કંપની હીરો મોટો કૉર્પ સાથે હાથ મેળવ્યા છે.
નોંધનીય છે કે કોવિડને કારણે ઇન્ડિયન માર્કેટમાં આ બાઇકનું વેચાણ ઘણું ઓછું થઈ ગયું હતું. ત્યારબાદ ઓગસ્ટમાં થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને કંપનીએ પ્લાન્ટ બંધ કરવાનો સંકેત આપ્યો હતો. કંપનીના આ નિર્ણયથી લગભગ 20 હજારથી વધુ કર્મચારીઓની નોકરીઓને પણ જોખમ હતું.
હાર્લી ડેવિડસન હવે ઇન્ડિયન માર્કેટમાં હીરો મોટોકોર્પ સાથે ભાગીદારી કરી રહી છે એ વાત કનફર્મ થઈ ગઈ છે. આ કેસ સાથે જોડાયેલા બે સ્રોતો અનુસાર, હીરો ભારતમાં હાર્લી બાઇક માટે મુખ્ય ડિસ્ટ્રીબ્યુટર હશે. આ ભાગીદારી માટે વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. એ મુજબ 300 થી 600 CC એન્જિન કેપેસિટીથી ઓછી ક્ષમતા વાળી હાર્લી બાઇક માટે હીરો સાથે ભાગીદારી કરી છે, જેને થોડા સમય પછી લોન્ચ કરવામાં આવશે. સૂત્રએ જણાવ્યું કે, કંપનીએ ફક્ત તેનું મેન્યુફેક્ચરિંગ યૂનિટ બંધ કર્યું છે. બાઇકનું માર્કેટિંગ અને વેચાણ તો ચાલુ જ રહેશે.
