ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ડિસેમ્બર 2021
સોમવાર.
શેરબજાર સતત ઉપર નીચે થઈ રહ્યું છે, છતાં ઓવરઓલ રોકાણકારો માટે વર્ષ સારું રહ્યું છે. ખાસ કરીને આ વર્ષે IPOના માધ્યમથી રોકાણકારો સારું કમાયા છે. હવે નવા વર્ષમાં પણ રોકાણકારોને કમાણીની સારી તક મળવાની છે. આગામી બે મહિનામાં દેશની અગ્રણી વીમા કંપની LIC સહિત લગભગ 45 કંપનીઓ પોતાનો IPO બજારમાં લાવવાની છે.
છેલ્લા થોડા મહિનામાં અનેક મોટી કંપની પોતાના IPO લઈ આવી છે. છેલ્લા ત્રણ મહિનામાં એક અંદાજ મુજબ 40 કંપનીઓએ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરીટીસ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) પાસે પોતાના IPOના પેપર રાખ્યા છે. જેમાં ઓલા, બાયજુ, ઓયો જેવા પ્રખ્યાત સ્ટાર્ટઅપનો સમાવેશ થાય છે. દેશની જ પ્રખ્યાત વીમા કંપની LIC પણ પોતાનો IPO લાવી રહી છે. એક અંદાજ મુજબ LICનો IPO 80,000 થી એક લાખ કરોડ રૂપિયાનો હોઈ શકે છે. જે વિશ્વનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બની રહેશે એવું માનવામાં આવે છે.
નવા વર્ષમાં જે કંપનીઓ IPO લાવવાની છે, તેમાં ગૌતમ અદાણીની અદાણી વિલ્મર, ગો ફર્સ્ટ એરલાઈન્સ, ડ્રમ ટેક્નોલોજી, સ્નેપડીલ જેવી ટોચની કંપનીઓનો સમાવેશ થાય છે. એ સિવાય ઝોમેટો બાદ હવે ઓનલાઈન ફૂડ ડિલિવરી કરનારી સ્વિગી પણ બજારમાં આવી રહી છે. આગામી દિવસોમાં ડેલ્હીવેરી, એક્સીગો, મોબીકવીક, ફામઈઝી, નવી, પાઈનેલેબ્સ વગેરેના IPO આવવાના છે. જે બજારમાં કમાણીની સારી તક ઉપલબ્ધ કરશે.
ઈ-કોમર્સ કંપનીઓની દાદાગીરી અને GSTને મુદ્દે સરકારના મૌનથી વેપારીઓ નારાજ, આપી દીધી આ ચીમકી, નવા વર્ષમાં સરકાર વિરોધમાં કરશે આ કામ
ચાલુ વર્ષમાં અત્યાર સુધી 63 કંપનીઓએ માર્કેટમાં ઝુકાવ્યું છે. આ બધી કંપનીઓએ લગભગ 1.29 લાખ કરોડ રૂપિયા બજારમાંથી મેળવ્યા છે. અત્યાર સુધી એક જ વર્ષમાં IPOમાંથી ભેગી કરાયેલી સૌથી મોટી રકમ હોવાનું કહેવાય છે. જેમાં આ વર્ષે સૌથી મોટા IPOમાં પેટીએમ દ્વારા 18,300 કરોડ રૂપિયા, ઝોમેટોએ 9,375 કરોડ રૂપિયા અને સ્ટાર હેલ્થએ બજારમાંથી 7,249 કરોડ રૂપિયા ઊભા કર્યા છે. આ પહેલા 2017માં કંપનીઓએ ઓપન માર્કેટમાંથી 75 હજાર કરોડ રૂપિયા ભેગા કર્યા હતા.