ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
21 ઓક્ટોબર 2020
કોરોના મહામારીના કારણે મંદીની માર સહન કરી રહેલી ભારતીય અર્થવ્યવસ્થા માટે એક સારા સમાચાર છે. દેશમાં ચાલુ નાંણાકિય વર્ષમાં એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન એફડીઆઈ એટલે કે પ્રત્યક્ષ વિદેશી રોકાણ 16 ટકાથી વધીને 27.1 અબજ ડોલર રહ્યું છે. વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન કમાણી પાછળના રોકાણ સહિત કુલ FDI 13 ટકા વધીને 35.73 અબજ ડોલરે પહોંચ્યું છે. જે ગત વર્ષે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન દેશમાં 23.35 અબજ ડોલરનું રોકાણ આવ્યું હતું. મંત્રાલયના નિવેદન અનુસાર, કોઈપણ નાણાંકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં આ અત્યાર સુધીનું સૌથી વધારે વિદેશી રોકાણ છે અને 2019-20ના પ્રથમ પાંચ મહિનાની તુલનામાં તે 13 ટકા વધુ છે. નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ પાંચ મહિનામાં તે 31.60 અબજ ડોલર હતું. કુલ એફડીઆઈ પ્રવાહ 2008થી 2014માં 231.37 અબજ ડોલરની તુલનામાં 2014થી 2020માં 55 ટકા ઉછળીને 358.29 અબજ ડોલર રહ્યું હતું.
વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટર પર લખ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ માટે ભારત એક પસંદગીનું સ્થળ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, છેલ્લા છ વર્ષમાં FDI 55 ટકા વધ્યું છે. વર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન કોવિડ-19 સંકટ છતાં એફડીઆઇના પ્રવાહમાં 13 ટકાનો વધારો થયો છે. કોઈ એક નાણાકીય વર્ષના પહેલા પાચ મહિનામાં તે સર્વાધિક છે.