ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
25 જુન 2020
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે રિલાયન્સ જિયો ભારતમાં બજારની ગતિશીલતા આધારિત 5G ઇકોસિસ્ટમના વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા અદા કરવા માટે સજ્જ છે. મોબાઇલ સેવાઓની ફ્લોર પ્રાઇઝ વિશે કંપનીએ નોંધ્યું છે કે ઓપરેટર્સ દ્વારા ડિસેમ્બરમાં ટેરિફમાં કરાયેલા વધારાના પરિણામે બજારની ગતિશીલતા સુધરી છે.
અહેવાલમાં જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન સરકારે સ્પેક્ટ્રમની હરાજીનો વધુ એક રાઉન્ડ હાથ ધરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે. વાર્ષિક અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, જિયો તેના 5G-રેડી નેટવર્ક અને વ્યાપક ફાઇબર એસેટ સાથે ભારતમાં 5G ઇકોસિસ્ટમના વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ શેરધારકોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ભારતમાં હજી લાખો 2G ફોન ધારકો છે, જે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકતાં નથી. 2Gમાંથી 4G યુગ અને તેની આગળના યુગમાં પરિવર્તિત થવા માટેની ત્વરિત જરૂરિયાત પર પ્રકાશ પાડવાની સાથે આ યુગ પરિવર્તનમાં જિયો પાસે રહેલી તકો ઉપર પણ તેમણે ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે "છેલ્લા બે વર્ષ દરમિયાન જિયોફોને 100 મિલિયન જૂના ફીચર ફોન (2G) યુઝર્સને 4G નેટવર્કમાં સફળતાપૂર્વક પરિવર્તિત કર્યા છે."
અંબાણીએ નોંધ્યું હતું કે, જિયોની ખાસ ભારત માટે ટેક્નોલોજી ઊભી કરવાની અને સમગ્ર દેશમાં તેનો પ્રસાર કરવાની ક્ષમતાએ ફેસબૂક અને માઇક્રોસોફ્ટ જેવા વૈશ્વિક ટેક્નોલોજી અગ્રણીઓને રોકાણ કરવા પ્રેરિત કર્યા છે. (31 માર્ચ, 2020 મુજબ) 387.5 મિલિયન મોબાઇલ ડેટા સબસ્ક્રાઇબર્સ સાથે રિલાયન્સ જિયો ટેલિકોમ વિશ્વમાં તેના સબસ્ક્રાઇબર્સમાં સતત અભૂતપૂર્વ વધારો કરી રહ્યું છે.
ભારતમાં બ્રોડબેન્ડ ડેટા માર્કેટના સર્જનમાં જિયોને ચાવીરૂપ સહાયક ગણાવતાં તેમણે કહ્યું હતું કે, સબસ્ક્રાઇબર્સ અને અડ્જ્સ્ટેડ ગ્રોસ રેવન્યૂ (AGR) બંને માપદંડો મુજબ જિયો અત્યારે દેશનો નંબર વન ટેલિકોમ ઓપરેટર છે. રિલાયન્સ જિયો અત્યારે રહેઠાણો અને વેપાર-વ્યવસાયો સુધી સ્ટેટ-ઓફ-ધ-આર્ટ વાયરલાઇન સેવાઓ પાથરી રહ્યું છે તેમ જણાવતાં તેમણે કહ્યું હતું કે, આ તમામ સેવાઓનો સમાવેશ પ્લેટફોર્મ બેઝ્ડ ડિજિટલ સર્વિસ ઓફર કરવા માટે મજબૂત પાયો નાખવામાં મદદરૂપ નીવડશે.
વાર્ષિક અહેવાલ મુજબ, જિયો દ્વારા માર્ચ 2020 સુધીમાં જિયોફાઇબર સર્વિસે એક મિલિયન રહેઠાણોને કનેક્ટ કર્યા છે. અંબાણીએ વધુમાં કહ્યું હતું કે, ડિજિટલ વેપાર શરૂ થવાથી ઓર્ગેનાઇઝ્ડ રિટેલ બિઝનેસ માટે વધુ વિકાસની તકો ઊભી થશે, જેનાથી વિશાળ ગ્રાહક વર્ગની તાકાત અને ડિજિટલ પ્લેટફોર્મનો લાભ મળશે. તેમણે કહ્યું હતું કે, "રિલાયન્સ રિટેલ અને વોટ્સએપ કોમર્શિયલ પાર્ટનરશિપની સમજૂતીથી વોટ્સએપના ઉપયોગ દ્વારા જિયોમાર્ટ પ્લેટફોર્મ પર રિલાયન્સ રિટેલના ડિજિટલ કોમર્સ બિઝનેસને વધુ વેગ મળશે."
જિયો દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, ડિસેમ્બર 2019માં ટેરિફ વધતાં બજારમાં ગતિશીલતા વધુ સારી થઈ છે, જેમાં તમામ ઓપરેટર્સે ટેરિફ પ્લાનમાં 40 ટકાનો વધારો કર્યો હતો. "વર્ષ દરમિયાન ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ દેશમાં મોબિલિટી સેવાઓ માટે ફ્લોર પ્રાઇઝ નક્કી કરવાની શક્યતાઓ ચકાસવા માટેની સલાહ-સૂચન પ્રક્રિયા આરંભી છે" એમ જણાવી ઉમેર્યું હતું કે, જિયો તમામ માટે વિકાસને ગતિ મળે એ માટે રેગ્યૂલેટર્સ અને ઇન્ડસ્ટ્રીના સ્ટેકહોલ્ડર્સ સાથે સતત સક્રિયતા દાખવતું રહેશે.
કોલ કનેક્ટ ચાર્જિસના મુદ્દે, કે જે પહેલી જાન્યુઆરી 2021ની અસરથી ઇન્ટરકનેક્ટ યુઝેજ ચાર્જ (IUC) શૂન્ય કરી દેવાનો છે તે અંગે જિયોએ જણાવ્યું છે કે, ઓક્ટોબર 2019માં IUC માટે રેગ્યૂલેટરી નિયમ બદલાતાં તેનું પાલન કરવા માટે તમામ ઓફ-નેટ આઉટગોઇંગ વોઇસ મિનિટ પર છ પૈસા/પ્રતિ મિનિટનો ચાર્જ દાખલ કરવામાં આવ્યો હતો. તેના કારણે વોઇસ ટ્રાફિકમાં મહત્વનો સુધારો થયો છે અને મફત વોઇસ સર્વિસનો દુરુપયોગ કરનારા નેટવર્કમાંથી જતા રહ્યા તથા જિયો IUCમાંથી આવક પણ મેળવી રહ્યું છે. જિયો એ વાત સતત માનતું આવ્યું છે કે, BAK (બિલ એન્ડ કીપ) રિજિમમાં ટ્રાન્ઝિટ થવાથી VoLTE જેવી ટેક્નોલોજીને અપનાવવામાં ઝડપ મળશે, જેમાં વોઇસ સર્વિસ જેવી પાયાની સુવિધા પૂરી પાડવા સામે નજીવો ખર્ચ આવે છે," તેમ RILએ જણાવ્યું હતું.
છેલ્લા કેટલાક મહિનાઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ફેસબૂક સહિતના વૈશ્વિક ટેક્નોલોજી ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ.1.15 લાખ કરોડનું રોકાણ મેળવ્યું છે, જેના માટે જિયોએ ડિજિટલ બિઝનેસનો ચોથા ભાગ કરતાં પણ ઓછા હિસ્સાનું વેચાણ કર્યું હતું અને છેલ્લા કેટલાક દિવસોમાં પ્રવર્તમાન રોકાણકારોને શેર વેચીને રૂ.53,124 કરોડનું રોકાણ પણ મેળવ્યું છે. 22 એપ્રિલ, 2020થી ફેસબૂક, સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, જનરલ એટ્લાન્ટિક, કેકેઆર, મુબાદલા, એડીઆઇએ, ટીપીજી, એલ કેટર્ટન અને પીઆઇએફ સહિતના દિગ્ગજ રોકાણકારોને જિયો પ્લેટફોર્મ્સે પોતાનો હિસ્સો વેચીને રૂ. 1,15,693.95 કરોડ ઊભા કર્યા હતા…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com