ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ડિસેમ્બર 2021
શુક્રવાર
સમગ્ર ગુજરાતમાં પંતગની બનાવટ ક્ષેત્રે ચરોતરના બે શહેરોની સર્વત્ર બોલબાલા છે. નડિયાદની સાથે સાથે ખંભાતની પતંગો પણ ખૂબ પ્રખ્યાત છે. રાજ્યમાં પતંગના ગૃહઉદ્યોગનો મોટાભાગનો હિસ્સો આ બે શહેરોમાં હોવાનું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. ખંભાતની વાત કરીએ તો ગત વર્ષે કોરોનાના કારણે પતંગોનું ઉત્પાદન માત્ર ૫૦ ટકા જેટલું થયું હતું જેની સરખામણીમાં આ વર્ષે અત્યાર સુધીમાં ૮૦ ટકા પર પહોંચી ગયું છે અને જેમ જેમ ઉત્તરાયણ નજીક આવશે એમ એમ ધંધામાં મબલખ તેજી આવવાની આશા વેપારીઓને છે.
ખંભાતના બજારમાં બે ઈંચની ટચૂકડી પતંગો આકર્ષણ જન્માવે છે. ગૃહ સજાવટ, ભેટ તથા સુશોભનમાં વપરાતી ટચૂકડી પતંગો ઉપરાંત ૮ ફૂટના ચંદરવો, રોકેટ જેવા પતંગોની માંગ વધુ હોય છે. આ પતંગો રૂ.૫૦૦થી ૨૦૦૦ સુધીમાં વેચાય છે. ખંભાતના ઉત્પાદકો વર્ષે ૫ કરોડથી વધુ પતંગોનું હોલસેલ તેમજ રિટેઈલમાં વેચાણ કરતા હતા. આ વર્ષે ૮ કરોડથી વધુ પતંગો બનાવવામાં આવી છે. જેનાથી ખંભાતમાં ૫૦ કરોડ રૂપિયાનું જેટલો ટર્ન ઓવર થવાની આશા છે. રાજ્યભરમાંથી દૈનિક સરેરાશ ૮થી ૧૨ હજાર જેટલાં પતંગ રસિકો, ઉત્પાદકો ખરીદી માટે આવતા હોય છે.
ખંભાતી પતંગમાં વપરાતો જીલેટીન કાગળ, ઢઢ્ઢાનો વાંસ ઉત્કૃષ્ટ ગુણવત્તાના હોવાથી પતંગ આકાશી ઉડાનમાં ફેઈલ જતો નથી. અંગ્રેજાે તથા મોગલ સામ્રાજ્યમાં પણ ખંભાતનાં પતંગની બોલબાલા હતી. ચાલુ વર્ષે સૌથી વધુ ચીલ, ગેંસિયા, કનકવાનું ઉત્પાદન થયું છે. ખંભાતની પ્રસિદ્ધ પતંગોના વેચાણમાં તેજી આવવાને કારણે મહિલાઓ ઉપરાંત યુવાનો પણ પતંગ નિમૉણ માં સક્રિય થયાં છે. હાલ ખંભાતમાં ૭૦૦૦ જેટલાં પતંગના કારીગરો છે, જેમાં ચાર હજારથી વધુ મહિલાઓ પણ સામેલ છે. જેઓ ઘરે પતંગો બનાવી રોજગાર મેળવે છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે પતંગ બનાવવાના કાચો માલ મોંઘો થયો છે, જેની અસર તેના ભાવો પર પડી છે. ગયા વર્ષે ૧૦૦ પતંગોનો ભાવ રૂ.૪૦૦ હતો આ વર્ષે ૪૫૦-૫૦૦ છે. કારીગરોના મજૂરીના ૧૨૦ થી વધી ૨૦૦ થયા છે. ગયા વર્ષે ૪ લાખ જેટલી પતંગોની ઉત્પાદન કર્યું હતું. આ વર્ષે ૧ લાખ પતંગોનું ઉત્પાદન કર્યું છે. ઉત્પાદન ઘટ્યું છે સામે માલની માંગ વધી છે. તેવી જ રીતે ગયા વર્ષે ૧૦૦૦ કમાનોનો ભાવ ૪૫૦ હતો આ વર્ષે ૫૫૦ થયો છે. ખંભાતમાં કાગળ પણ દિલ્હી મુંબઈથી આયાત થાય છે. જેનો ભાવ પણ વધતા બનાવટ બાદ પણ ઉત્પાદકો નફો રડી નહિ શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.