ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જુલાઈ, 2021
સોમવાર
મહારાષ્ટ્રના લગભગ 57 સાકર કારખાનાંઓએ જુદી-જુદી બૅન્કો પાસેથી લીધેલી કરોડો રૂપિયાની લોન પાછી ચૂકવી નથી. ડિફોલ્ટર બનેલાં આ સાકરનાં કારખાનાંના લગભગ ત્રણ હજાર કરોડ રૂપિયા હવે મહારાષ્ટ્ર સરકાર ચૂકવશે. કારણ કે સાકરનાં કારખાનાંઓ માટે સરકાર બૅન્ક ગૅરન્ટર બની હતી. એથી લોનના પૈસા ભરવાની જવાબદારી હવે સરકારને માથે આવી પડી છે.
કરદાતાઓના પૈસે હવે સરકાર આ ડિફોલ્ટર બનેલાં કારખાનાંઓની લોન ભરવાની છે. એથી સામાન્ય નાગરિકોમાં નારાજગી છે. મહારાષ્ટ્ર સરકારના માથે પહેલાંથી જ કરોડો રૂપિયાનું દેવું છે. એમાં હવે તેણે મહારાષ્ટ્ર સ્ટેટ કૉ-ઑપરેટિવ બૅન્ક, મુંબઈ બૅન્ક અને નાંદેડ ઍન્ડ ઉસ્માનાબાદ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કૉ-ઑપરેટિવ બૅન્કને ત્રણ હજાર કરોડ રૂપિયા ચૂકવવાના છે. સરકારે એ માટે રાજ્યના ચીફ સેક્રેટરી (નાણાકીય) રાજગોપાલ દેવરાના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના પણ કરી છે.
સાકરનાં કારખાનાંઓએ લીધેલી લોન પાછી ભરવાની સાથે જ સરકારના માથે કૉ-ઑપરેટિવ સ્પિનિંગ મિલોના 800 કરોડ રૂપિયા પણ ચૂકવવાની જવાબદારી છે.