ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑગસ્ટ, 2021
શુક્રવાર
મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્રમાં તમામ સરકારી વ્યવહાર મરાઠીમાં કરવાનો નિર્ણય લીધો છે. એ માટેનો ગવર્નમેન્ટ રિઝોલ્યુશન (GR) પણ બહાર પાડ્યો છે. એ તકનો લાભ લઈને હવે મરાઠી એકીકરણ સમિતિ છેલ્લા છ મહિનાથી નવી મુંબઈની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)નો તમામ વ્યવહાર મરાઠીમાં કરવાની માગણી કરી રહ્યું છે. APMCના સભ્યોએ ખેડૂતો અને ગ્રાહકોની સુવિધા માટે મરાઠીમાં બિલો આપવાની તૈયારી દર્શાવી હોવાનું કહેવાય છે. એથી મરાઠી એકીકરણ સમિતિ હવે APMC બજારમાં સંપૂર્ણ વ્યવહાર મરાઠીમાં જ કરાવવાને મુદ્દે વધુ ઉગ્ર બની ગઈ છે. જોકે વર્ષોથી ગુજરાતી અને હિન્દીમાં પોતાના વ્યવહાર કરનારા APMCના ખાસ કરીને મસાલા અને ડ્રાય્રફૂટ્સના વેપારીઓ માટે આ નિર્ણયને અમલમાં મૂકવો તકલીફદાયક રહેવાનો છે.
દક્ષિણ મુંબઈમાં આવેલી અનાજ બજાર, નવી મુંબઈની APMCમાં આવેલી બજાર તથા અન્ય APMC બજારમાં મોટા ભાગના વેપારીઓ ગુજરાતી છે. એથી ચલાન, બિલ અને અન્ય દસ્તાવેજો મોટા ભાગે ગુજરાતી તથા હિંદી અને ઇન્ગલિશ ભાષામાં બનતાં હોય છે. એની સામે હવે મરાઠી એકીકરણ સમિતિ આક્રમક બની ગઈ છે. ખેડૂતો તથા ગ્રાહકોને ગુજરાતી, હિન્દી અને ઇન્ગલિશ ભાષા સમજાતી નથી. એથી તમામ વ્યવહાર મરાઠીમાં કરવો જોઈએ, એ માટે સતત બે વર્ષથી લડત ચલાવવામાં આવી રહી છે. છતાં APMC પ્રશાસન અને વેપારીઓ એને ગંભીરતાથી લેતા નથી. એથી મરાઠી ભાષાના ઉપયોગને લઈને આક્રમક બનવું પડી રહ્યું હોવાની દલીલ મરાઠી એકીકરણ સમિતિના પદાધિકારીઓ કરી રહ્યા છે.
APMCના દાણાબજારના ડાયરેક્ટર નિલેશ વીરાએ જણાવ્યું હતું કે સરકારે મરાઠી ભાષાના ઉપયોગને લગતો GR બહાર પાડ્યા બાદ આ લોકો વધુ આક્રમક બની ગયા છે. મરાઠી ભાષાના ઉપયોગ સામે કોઈ વાંધો નથી, પરંતુ વર્ષોથી બજારમાં રહેલા ગુજરાતી અને હિન્દી ભાષી વેપારીઓ પોતાની ભાષામાં આપસમાં વ્યવહાર કરતા આવ્યા છે. બિલ,ચલાન વગેરે તેઓ ગુજરાતી અને હિન્દીમાં બનાવે છે, જેમાં મેન્યુલ બિલ ગુજરાતીમાં અને કૉમ્પ્યુટરમાં ઇન્ગલિશમાં બિલ બને છે. હવે અચાનક ચલાનથી લઈને બિલ પણ રાતોરાત મરાઠીમાં બનાવવાની જીદ કરે તો વેપારીઓ માટે મુશ્કેલ છે. તેઓ સરકારી ઑફિસમાં મોકલવામાં આવતા અમારા દસ્તાવેજો પણ મરાઠીમાં કરવાની જીદ કરી રહ્યા છે. ઈ-વે બિલ પણ મરાઠીમાં જોઈએ છે.
સપ્ટેમ્બરમાં આટલા દિવસ બૅન્ક બંધ રહેવાની છે; જાણો વિગત
આ વિવાદનો અંત લાવવા થોડા દિવસ પહેલાં APMC ઑફિસમાં અધિકારીઓ, વેપારીઓ અને સ્થાનિક વિધાનસભ્ય વગેરેની મીટિંગ પણ થઈ હતી. એમાં વેપારીઓને થોડો સમય આપવાને મુદ્દે ચર્ચા થઈ હતી. બજારમાં દુકાનોના નામ તો મરાઠીમાં છે. દુકાનમાં ડીસપ્લે બોર્ડ પર પણ મરાઠીમાં લખ્યું હોય છે. હવે તેમના દબાણ હેઠળ તમામ વ્યવહાર મરાઠીમાં કરવાની જીદ થઈ રહી છે, એ વેપારીઓ માટે હાલની પરિસ્થિતિમાં મુશ્કેલ છે. રાતોરાત કોઈ ફેરફાર કરી શકાતો નથી એવું નિલેશ વીરાએ જણાવ્યું હતું.