ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
વિદેશી ઈ-કૉમર્સ કંપની દ્વારા દેશમાં કાયદાનું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે તેમ જ ઈ-કૉમર્સ કંપની એમેઝોને ભારતમાં પોતાના વકીલો મારફત સરકારી વકીલને લાંચ આપી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તેથી દેશભરના વેપારીઓનું નેતૃત્વ કરતી કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા વિદેશી કંપનીઓ વિરુદ્ધની પોતાની લડત વધુ આકરી બનાવવાની ચીમકી આપી છે. જે હેઠળ CAIT સાથે સંકળાયેલા વેપારી સંગઠનો આજે દેશના 500થી વધુ જિલ્લાઓમાં કલેક્ટરોને મેમોરેન્ડમ આપવાના છે. જેમાં વિદેશી ઈ-કૉમર્સ કંપની સામે CBI તપાસની માગણી કરવામાં આવવાની છે તથા કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટ અંતર્ગત પ્રસ્તાવિત ઈ-કૉમર્સના નિયમોને તુરંત અમલમાં લાવવાની માગણી કરવામાં આવશે. આજના આ કાર્યક્રમમાં દેશભરનાં 20,000થી વધુ વેપારી સંગઠનો જોડવાનાં છે. CAITના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે આજે મુંબઈ શહેર અને ઉપનગરના કલેક્ટરને તથા થાણે અને રાયગઢના કલેક્ટરને અમે મેમોરેન્ડમ આપીને અમારી માગણી તેમના સમક્ષ મૂકવાના છીએ.
CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલના જણાવ્યા મુજબ એમેઝોનના વકીલો દ્વારા સરકારી કર્મચારીને લાંચ આપવાની ચોંકવાનારી વિગત બહાર આવી છે. તેથી ગયા વર્ષે એમેઝોને સરકારી ખાતામાં પોતાના જમા કરેલા નાણાકીય દસ્તાવેજોની ફોરેન્સિંગ ઑડિટ કરવું જોઈએ. જેથી કરીને ખરેખર આ કંપનીઓ દ્વારા સરકારી અધિકારીઓને લાંચ આપવામાં આવી હતી કે નહીં તે જાણી શકાશે. એમેઝોનના કારભારને જોતાં ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ, સીસીઆઇ, સેબી તથા મિનિસ્ટ્રી ઑફ કૉર્પોરેટ અફેર્સે એકસાથે એની તપાસ કરવી જોઈએ એવી માગણી CAIT દ્વારા કરવામાં આવી છે.