ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
22 ઓક્ટોબર 2020
એટીએમ વપરાશકારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. આગામી દિવસોમાં એટીએમમાંથી પાંચ હજાર રૂપિયાથી વધુના ઉપાડ પર ચાર્જ થઈ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) તેની વિચારણા કરી રહી છે.
એટીએમ ફી પર પુનર્વિચાર કરવા આરબીઆઈએ એક સમિતિની રચના કરી છે. એ જ કમિટીએ એટીએમમાંથી પાંચ હજાર રૂપિયાથી વધુના ઉપાડ માટે ફી વસૂલવાની ભલામણ કરી છે. આરબીઆઈ ઇચ્છે છે કે ગ્રાહકો ઓનલાઇન વધુ ને વધુ વ્યવહારો કરે અને ફક્ત પૈસા જમા કરવા માટે એટીએમનો ઉપયોગ કરે. તેમજ આરબીઆઇ મોટા શહેરોમાં એટીએમની સંખ્યા ઘટાડવા માંગે છે. 10 લાખથી ઓછી વસ્તી ધરાવતા નાના શહેરોમાં એટીએમનો ટ્રેન્ડ વધારવા માંગે છે.
જો સમિતિની ભલામણો સ્વીકારવામાં આવે તો, એટીએમમાંથી એક સાથે 5 હજારથી વધુ ઉપાડવા માટે ગ્રાહક પાસેથી બેંક 24 રૂપિયાનો વધારાનો ચાર્જ વસૂલ કરી શકે છે. હાલની સિસ્ટમ હેઠળ પાંચ ટ્રાન્ઝેક્શન મફત છે. નવા નિયમ મુજબ પ્રથમ પાંચ વ્યવહારોનો મફતમાં સમાવેશ કરવામાં આવશે નહીં. એટલે કે, કોઈપણ વ્યવહારમાં, તમારે 5 હજારથી વધુ કાઢવા માટે 24 રૂપિયા ચૂકવવા પડી શકે છે. વર્તમાન નિયમ હેઠળ, એક મહિનામાં પાંચથી વધુ વ્યવહારો બાદ પ્રત્યેક વ્યવહાર પર 20 રૂપિયા લેવામાં આવે છે.
