ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 05 માર્ચ, 2022,
શનિવાર,
એક તરફ મોંધવારીનો સામનો કરી રહેલા નાગરિકોને ડુંગળીના ઉતરેલા ભાવે થોડી રાહત પહોંચાડી છે. બજારમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થતા તેના ભાવમાં લગભગ 15 ટકા સુધીનો ઘટાડો થયો છે. આગામી દિવસમાં કાંદાના ભાવમાં હજુ ઘટાડો થવાની અપેક્ષા છે.
મોંઘવારીમાં ગરીબો માટે ડુંગળી જ કસ્તુરી ગણાય છે. તેથી કાંદાના ભાવ સતત ઉપર નીચે થાય એટલે તેની અસર તરત સામાન્ય નાગરિકોને થાય છે. મોંધવારીની ચપેટમાં ફસાયેલા લોકો માટે હાલ કાંદાના ભાવમાં ઘટાડો થયો હોવાથી હાશકારો થયો છે. દેશમાં કાંદાની સૌથી મોટી હોલસેલ બજાર કહેવાતી નાશિકની લાસલગાંવ એપીએમસી બજારમાં કાંદાના ભાવ ઝડપથી ગગડી ગયા છે.
લાસલગાંવમાં છેલ્લા ચાર-પાંચ દિવસમાં કાંદાનો જથ્થાબંધ ભાવ 15 ટકા ઘટીને ક્વિન્ટલે 1775 રૂપિયા થઈ ગયો છે, તેને કારણે રિટેલ બજારમાં પણ કાંદાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
લાસલગાંવ એપીએમસી માર્કેટના વેપારીઓના કહેવા મુજબ કાંદાનો નવા પાક મોટા પ્રમાણમાં બજારમાં ઠલવાઈ રહ્યો છે. હાલ બજારમાં ઊતરી રહેલો પાક ઉનાળુ પાક કહેવાય છે, તેની આવક સામે માંગણી ઓછી હોવાથી ભાવ ગગડવા માંડયા છે.
વેપારીઓના કહેવા મુજબ આગામી પખવાડિયા કાંદાના ભાવમાં ક્વિન્ટલ (100 કિલો) દીઠ વધુ 300 રૂપિયાનો ઘટાડો થવાની શક્યતા છે. લાસલગાંવની માર્કેટમાં અત્યારે ખરીફ પાકની ડુંગળીની આવક થઈ રહી છે. કાંદાનો માલ વધુમાં વધુ એક મહિનો સંઘરી શકાય એવું હોવાથી ખેડૂતો પાસે ઓછા ભાવે માલ વેચ્યા સિવાય ઉપાય નથી.