ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 સપ્ટેમ્બર 2020
પબજીના ચાહકો માટે સારા સમાચાર છે. બહુ જલ્દી ભારતમાં એની રીએન્ટ્રી થઈ શકે છે. ભારતમાં હાલ પબજી મોબાઇલ ગેમ પર પ્રતિબંધ છે પરતું, PUBG કોર્પોરેશને હવે ચાઇના સાથેની ભાગીદારી તોડવાનો નિર્ણય લીધો છે.
નવી નીતિના ભાગ રૂપે, PUBG નિગમએ જાહેરાત કરી છે કે ભારતમાં હવે ચાઈનાની ટેન્સેન્ટ ગેમ્સ દ્વારા PUBG મોબાઇલ નિયંત્રિત કરવામાં નહીં આવે. તેમજ દક્ષિણ કોરિયન કંપની તમામ પેટાકંપનીઓનો સંપૂર્ણ ચાર્જ લેશે. આનો અર્થ એ થઈ શકે છે કે ટૂંક સમયમાં દેશમાં PUBG મોબાઇલ પરથી પ્રતિબંધ હટી જશે.
નોંધનીય છે કે આ અઠવાડિયાની શરૂઆતમાં, ભારત સરકારે પબજી મોબાઇલ અને 117 અન્ય ચીની એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. સરકારે આરોપ લગાવ્યો હતો કે ચીની એપ્લિકેશન્સ “સાર્વભૌમત્વ, અખંડિતતા, ભારતની સંરક્ષણ અને જાહેર વ્યવસ્થા માટે જોખમકારક છે.”
પબજી કોર્પોરેશનનું કહેવું છે કે સરકાર દ્વારા લેવાયેલા પગલાઓને સંપૂર્ણ રીતે સમજે છે અને આદર આપે છે. આથી જ તેઓ પણ પ્લેયરના ડેટાની ગોપનીયતા અને સુરક્ષાને પ્રથમ અગ્રતા આપે છે. તેઓ ભારતીય કાયદા અને નિયમોનું સંપૂર્ણ પાલન કરશે.' PUBG ને આશા છે કે ભારત સરકાર સાથે મળીને જલ્દી જ કોઈ સમાધાન શોધવામાં આવશે.
ભારત સરકારે આ અગાઉ ભારતમાં ટિકટોક અને 58 અન્ય એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. એપ્લિકેશન્સને પહેલા એપ સ્ટોર્સમાંથી દૂર કરવામાં આવી હતી અને પછી તેને નેટવર્ક્સ પર અવરોધિત કરવામાં આવી હતી. પબજી, ટિકટોક સહિત અન્ય ચાઈનીઝ એપ્સ જેવી કે શેરચેટ, વીચેટ, કેમસ્કેનર, યુસી બ્રાઉઝર સહિતની લોકપ્રિય એપ્લિકેશન પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો..
